કેરળ કોંગ્રેસે બીડી સાથે કરી બિહારની તુલના

નવી દિલ્હીઃ GST કાઉન્સિલ દ્વારા સુધારાઓને લઈને નાણાં મંત્રી નિર્મલા સીતારામણે તાજેતરમાં અનેક જાહેરાતો કરી છે. તેમના દ્વારા તમાકુ અને સિગારેટ જેવી કેટલીક ચોક્કસ વસ્તુઓ પર 40 ટકાના વિશેષ સ્લેબનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જોકે GST સુધારા અંતર્ગત બીડી પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ મુદ્દે કેરળ કોંગ્રેસના ટ્વીટ પરથી વિવાદ ઊભો થયો છે. ટ્વીટમાં બીડી અને બિહારની તુલના કરવામાં આવી હતી, જેના પર BJPએ તીખી પ્રતિક્રિયા આપીને તેને બિહાર અને બિહારીઓનું અપમાન ગણાવ્યું છે.

કેરળ કોંગ્રેસ તરફથી ‘X’ પર કરવામાં આવેલા ટ્વીટમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો તથા બીડી પર GSTની તુલના દર્શાવવામાં આવી હતી. ચાર્ટમાં બતાવાયું છે કે તમાકુ પર GST હાલના 28 ટકા પરથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે. સિગારેટ અને સિગાર પર પણ ટેક્સ વધારાયો છે, પરંતુ બીડી પર GST ઘટાડવામાં આવ્યો છે. બીડી પર પહેલાં 28 ટકા GST લાગુ હતો, જે હવે ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે.

કેરળ કોંગ્રેસના અધિકૃત અકાઉન્ટ પરથી કરવામાં આવેલા આ ટ્વીટમાં લખાયું હતું, “બીડી અને બિહાર બન્ને ‘B’ થી શરૂ થાય છે, હવે તેમને પાપ નથી ગણાવી શકાય. કોંગ્રેસનું આ ટ્વીટ થતાં જ વિવાદ ઊભો થયો.

BJPનું કોંગ્રેસ પર આક્રમણ

BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વાર પોતાની બિહારવિરોધી માનસિકતા બતાવી છે. તેમણે લખ્યું હતું કે કોંગ્રેસે ફરી હદ પાર કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાને ગાળો આપ્યા પછી હવે બિહારની તુલના બીડી સાથે કરી રહ્યા છે. શું તેજસ્વી યાદવ તેને ટેકો આપે છે? રેવંત રેડ્ડીથી લઈને DMK અને કોંગ્રેસ સુધી બિહાર પ્રત્યેની તેમની નફરત સાફ દેખાઈ રહી છે.