કરિશ્મા કપૂરનાં બાળકોએ સંપત્તિમાં ભાગ માટે HCનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બાળકો– સમાયરા કપૂર (20) અને કિયાન રાજ કપૂર (15) એ તેમના પિતા અને પ્રખ્યાત બિઝનેસમેન સંજય કપૂરની મિલકતમાં હિસ્સો માગતા દિલ્હી હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. બાળકોનો આક્ષેપ છે કે તેમની સાવકી મા પ્રિયા કપૂરે એક શંકાસ્પદ વસિયતને આધારે સંપૂર્ણ મિલકત પોતાને નામે કરવાનો પ્રયાસ કર્યો છે.

શું છે વિવાદ

સંજય કપૂરનું નિધન જૂન, 2025માં લંડનમાં હાર્ટ એટેક આવવાથી થયું હતું. તેમની ઉંમર માત્ર 53 વર્ષની હતી. તેમના નિધન બાદ જુલાઈમાં એક વસિયત સામે આવી, જેની તારીખ 21 માર્ચ, 2025 બતાવવામાં આવી હતી, તેમાં સંપૂર્ણ મિલકત પ્રિયા કપૂરને નામે નોંધાયેલ છે. બાળકોનો દાવો છે કે આ વસિયત શંકાસ્પદ પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવી છે અને શક્ય છે કે ખોટી છે.

બાળકોની માગ

સમાયરા અને કિયાને અદાલતને વિનંતી કરી છે કે મિલકત વેચવા, ટ્રાન્સફર કરવા અથવા કોઈ તૃતીય પક્ષને સોંપવા પર રોક લગાવવામાં આવે. એ સાથે સાથે તેમને પણ મિલકતમાં હિસ્સો અપાવવાની માગ તેમણે કરી છે. આ કેસમાં પ્રતિવાદી તરીકે પ્રિયા કપૂર, તેમનો પુત્ર, સંજયની મા રાણી કપૂર અને વસિયતનાં એક્ઝિક્યુટર શ્રદ્ધા સૂરી મરવાહને સામેલ કરવામાં આવ્યા છે.

30,000 કરોડનું સામ્રાજ્ય

સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા. કંપનીનું માર્કેટ કેપ આશરે 30,000 કરોડ રૂપિયા છે. તેમાંથી 28 ટકા હિસ્સેદારી પારિવારિક રોકાણ કંપની Aureus Investments Pvt. Ltd. પાસે છે. બાળકોનો આક્ષેપ છે કે પ્રિયા કપૂરે પહેલેથી જ આ કંપની અને કપૂર પરિવારના આર.કે. ટ્રસ્ટ પર કાબૂ મેળવી લીધો છે. જોકે કરિશ્મા કપૂર પોતે સીધી આ કાનૂની લડાઈમાં સામેલ નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે તે પોતાનાં બાળકોનાં હિતોની રક્ષા માટે સંપૂર્ણપણે તેમની સાથે ઊભી છે.