ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ લાગવાની શક્યતા

નવી દિલ્હીઃ ઇટાલી સરકાર દેશમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. ઇટાલીની સત્તારૂઢ પાર્ટીએ દેશનાં જાહેર સ્થળોએ બુરખા અને નકાબથી ચહેરો અને શરીર ઢાંકવા પર પ્રતિબંધ મૂકવા માટે એક વિધેયક રજૂ કર્યું છે. આ પ્રતિબંધ હેઠળ દુકાનો, શાળાઓ અને કચેરીઓ સહિત તમામ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકતાં કપડાં પહેરવા પર પ્રતિબંધ રહેશે. જ્યોર્જિયા મેલોની સરકારે જણાવ્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનારાઓ પર 300થી 3000 યુરો (લગભગ રૂ. 30,000થી રૂ. 3 લાખ) સુધીનો દંડ ફટકારાશે.

ઇટાલીની સત્તારૂઢ બ્રધર્સ ઓફ ઇટાલી પાર્ટીએ આને “ઇસ્લામિક અલગાવવાદ” સામે લડવા માટેનું અસરકારક પગલું ગણાવ્યું છે. પાર્ટીના એક સાંસદે જણાવ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા પવિત્ર છે, પરંતુ તેનો ઉપયોગ અમારા બંધારણ અને ઇટાલિયન રાજ્યના સિદ્ધાંતોનું પૂર્ણ સન્માન રાખીને થવો જોઈએ.

બ્રધર્સ ઓફ ઇટાલી પાર્ટીએ બુધવારે (8 ઓક્ટોબરે) દેશનાં જાહેર સ્થળોએ બુરખા અને નકાબથી ચહેરો તથા શરીર ઢાંકવા પર પ્રતિબંધ લગાવતું વિધેયક રજૂ કર્યું. વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટીએ તમામ જાહેર સ્થળોએ ઇસ્લામિક ચહેરા ઢાંકવાનું પ્રતિબંધિત કરતું વિધેયક રજૂ કર્યું છે.

આ વિધેયકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાળાઓ, યુનિવર્સિટીઓ, દુકાનો, કાર્યસ્થળો અને અન્ય તમામ જાહેર સ્થળોએ ચહેરો સંપૂર્ણ ઢાંકતા કપડાં પર પ્રતિબંધ રહેશે. મેલોની સરકારે દાવો કર્યો છે કે આ પગલું ઇટાલીની સામાજિક એકતા મજબૂત કરશે અને સાંસ્કૃતિક અલગાવવાદને મૂળથી દૂર કરશે.

મેલોની પાર્ટીના ત્રણ સાંસદોએ રજૂ કરેલા આ વિધેયકમાં દેશનાં તમામ જાહેર સ્થળો, શાળાઓ, યુનિવર્સિટીઓ, દુકાનો અને કચેરીઓમાં ચહેરો ઢાંકતા કપડાં પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. આ પહેલાં ફ્રાન્સ પહેલો યુરોપીય દેશ બન્યો હતો, જેણે 2011માં જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. વિશ્વના 20થી વધુ દેશોમાં જાહેર સ્થળોએ બુરખા તથા અન્ય પૂર્ણ ચહેરો ઢાંકતાં વસ્ત્રો પર કોઈ ને કોઈ રીતે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમાં ઓસ્ટ્રિયા, ટ્યુનિશિયા, તુર્કી, શ્રીલંકા અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે.