ISPL 2: પ્રથમ મેચથી જ માઝી મુંબઈની વિજયી શરૂઆત

મુંબઈ: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની બીજી સીઝનની શરૂઆત રોમાંચક ઉદ્ઘાટન સમારોહ સાથે ભવ્ય રીતે થઈ. ત્યારબાદ રમાયેલી પ્રથમ રમતમાં માઝી મુંબઈએ રવિવારે દાદોજી કોંડાદેવ સ્ટેડિયમ ખાતે ટાઈગર્સ ઓફ કોલકાતા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ સીઝનના ફાઇનલિસ્ટ્સ વચ્ચેની રિ-મેચમાં, માઝી મુંબઈએ શિસ્તબદ્ધ બોલિંગ પ્રદર્શન કરીને ટાઈગર્સ ઓફ કોલકાતાને 68/8 સુધી મર્યાદિત રાખ્યા અને બે ઓવર બાકી હતી ત્યાં તો ટાર્ગેટને પૂરો કરી દીધો.

ટૉસ જીતીને માઝી મુંબઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલરોએ શરૂઆતથી જ પ્રભાવિત કર્યા. અંકુર સિંહે ફરદીન કાઝી, થોમસ ડાયસ અને નવાઝ ખાનને આઉટ કરીને ટોપ-ઓર્ડરને ફટાફટ પેવેલિયન ભેગા કરી દીધા હતા. પરિણામે કોલકાતા 22/3એ સંઘર્ષ કરી રહ્યું હતું. ત્યારબાદ રાજેન્દ્ર સિંહે બે વિકેટ સાથે કોલકતાની ઇનિંગ્સને વધુ ખરાબ કરી.મુંબઈએ ટેપ બોલ ઓવર (3જી અને 5મી)નો લાભ લીધો હતો. જેમાં રજત મુંધેએ તેની બે ઓવરમાં ફક્ત પાંચ રન આપ્યા હતા. વધતા દબાણ હેઠળ, કોલકાતાએ 7મી ઓવરમાં 50-50નો સ્કોર પસંદ કર્યો, પરંતુ આ નિર્ણય ઉલટો પડ્યો કારણ કે તેઓએ કેપ્ટન મોયદ્દીન અલીમુદ્દીન શેખ (15) સહિત બે વિકેટ ગુમાવી દીધી. સરફરાઝ ખાન (11) અને ભાવેશ પવાર (16) ની જોડીએ અંતમાં થોડી ફટકેબાજી કરતા કોલકાતાને 68 રન સુધી પહોંચાડી દીધી.

સ્કોરનો પીછો કરતા સમયે, માઝી મુંબઈએ ઓપનર મોહમ્મદ નદીમને વહેલા ગુમાવી દીધો હતો. પરંતુ રજત મુંધે અને કરણ મોરે (26 અણનમ) દ્વારા વિકેટ જાળવી રાખવામાં આવી. આ જોડીએ વિવેક મોહન દ્વારા ફેંકવામાં આવેલી ટેપ બોલ ઓવર (3જી) ને નેવિગેટ કરી, જેનાથી મુંબઈ ટ્રેક પર રહી શક્યું. વ્યૂહાત્મક સમયસમાપ્તિ સમયે, મુંબઈએ 31/1 પર 50-50 ના પડકાર માટે 8મી ઓવર પસંદ કરી.

ટાઇમ સમાપ્તિ પછી શિવમ કુમારની બોલ પર રજતે બાઉન્ડ્રી ફટકારી. પરંતુ બીજા બોલ પર તે આઉટ થયો. ત્યારબાદ કરણ અને અમિત નાઈક (અણનમ 21) એ જવાબદારી સંભાળી, કરણે 50-50 ઓવરમાં ઈમરોઝ ખાનની બોલ પર બે બાઉન્ડ્રી ફટકારી. ત્યાર બાદ અમિતે સતત બે મોટી હિટ ફટકારી અને ટીમે આઠ વિકેટથી વિજય મેળવ્યો.

આ પહેલા, ISPL સીઝન-2ના ઉદઘાટન સમારોહમાં ટુર્નામેન્ટ માટે લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમેડી સ્ટાર્સ કૃષ્ણા અને કીકુ, પુષ્પા અને શ્રીવલ્લીના પાત્રો બનીને પ્રેક્ષકોને ખૂબ જ હસાવ્યા હતા. જ્યારે જેકલીન ફર્નાન્ડીઝે ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સથી લોકોને આનંદિત કર્યા હતા.

જો કે, સૌથી મોટા ઉત્સાહ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના આવવવાથી દર્શકોમાં ફેલાયો હતો. તેમણે સ્ટેડિયમમાં જેવો પ્રવેશ કર્યો કે સમગ્ર સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. ખેલાડીઓને સંબોધતા, તેંડુલકરે સલાહ આપી, “નિર્ભય બનો પણ બેદરકાર ન બનો.”