નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી રશિયાની મુલાકાતે ગયા તો યુક્રેન ભડકી ગયું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોદીની મોસ્કો પ્રવાસની આકરી ટીકા કરતાં એને શાંતિના પ્રયાસો માટે મોટો આંચકો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે PM મોદી પુતિનની સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારેરશિયાની મિસાઇલો યુક્રેન પર હુમલો કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલોને નિશાન બનાવી રહી હતી. મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સોમવારે સવારે રશિયાની મિસાઇલોએ યુક્રેનનાં શહેરો પર હુમલો કર્યો હતો, જેમાં કમસે કમ 37 લોકો માર્યા ગયા હતા અને 170 અન્ય ઘાયલ થયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કીએ PM મોદીની આકરી ટીકા કરી હતી અને પુતિનને હત્યારા બતાવ્યા હતા. તેમણે X પોસ્ટમાં કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતાને મોસ્કોમાં વિશ્વના સૌથી ખૂની અપરાધીને ગળે લગાડતાં જોઈને નિરાશા થઈ હતી. આ શાંતિના પ્રયાસો માટે એક ઝટકો છે.
બીજી બાજુ, ભારતે ક્યારેય યુદ્ધને ટેકો નથી આપ્યો. વ્લાદિમિર પુતિને PM મોદીની સાથે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ એકમેકની પ્રશંસા કરી હતી. PM મોદીએ વ્લાદિમિર પુતિનને કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો છે, કેમ કે યુદ્ધના મેદાનમાં સમસ્યાનું સમાધાન ના શોધી શકાય. ભારતે હંમેશાં ક્ષેત્રીય અખંડિત અને સંપ્રભુતા સહિત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવાના પક્ષમાં રહ્યું છે.