જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એન્ધનોમ ગેબ્રીયેસસ કહ્યું છે કે કોરોનાવાઈરસ (કોવિડ-19) ભલે હવે જાગતિક જાહેર આરોગ્યની કટોકટી તરીકે સમાપ્ત થયું છે, પરંતુ દુનિયાના દેશોએ રોગચાળાનો સામનો કરવા અને ભવિષ્યમાં નવી મહામારીઓ તથા અન્ય જોખમોનો સામનો કરવા સજ્જ રહેવું જ પડશે.
ડો. ટેડ્રોસે સભ્ય દેશોને ઉદ્દેશીને જણાવ્યું છે કે જાગતિક આરોગ્ય કટોકટી તરીકે કોવિડ-19નો ભલે અંત આવી ગયો છે પરંતુ કોવિડ-19 જાગતિક આરોગ્ય જોખમ તરીકે સમાપ્ત થયો નથી. નવા વેરિઅન્ટનું જોખમ તો યથાવત્ રહ્યું છે, જે બીમારી અને મૃત્યુના નવા ઉછાળાનું કારણ બની શકે છે. દુનિયાના દેશોને માથે એક અન્ય અને વધારે જીવલેણ પ્રકારની મહામારીનું જોખમ યથાવત્ છે. નવી મહામારી સામે આપણે સહુએ સાથે મળીને, નિર્ણાયક રીતે અને સમાન રીતે જવાબ આપવા માટે સજ્જ રહેવાનું જ છે.