ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને PM મોદીને ‘બોસ’ કહ્યા

સિડનીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્થિત કુડોસ બેન્ક એરિના સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કર્યો હતો. તેમને સાંભળવા માટે અહીં ભારતીય સમુદાયના 20,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ ભારતીયોને કહ્યું હતું કે જ્યારે 2014માં આવ્યો હતો, ત્યારે તમને એક વચન આપ્યું હતું કે ભારતના કોઈ વડા પ્રધાનનો 28 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે. આજે એરિનામાં હું ફરી હાજર છું અને હું એકલો નથી આવ્યો, પણ વડા પ્રધાન આલ્બનીઝ પણ મારી સાથે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ ઐતિહાસિક છે.

 તેમણે સંબોધનમાં વિકસિત ભારતનો મંત્ર પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે દરેક ભારતીયનું સપનું છે, એ સપનું મારું પણ છે. આપણે બધાએ મળીને ભારતને વિકસિત દેશ બનાવવાનું છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં મળી રહેલાં ભારતીય પકવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે તો ક્રિકેટથી માંડીને ખાવા સુધી બંને દેશોના સંબંધોને મજબૂત કરવાનું કામ કર્યું છે. આપણે તો દિવાળીની રોનકથી પણ જોડાયેલા છે અને હિન્દ મહાસાગર પણ આપણને જોડવાનું કામ કરે છે.

વડા પ્રધાન મોદી પહેલાં એન્થની આલ્બનીઝે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન મોદીનું સ્વાગત  કરતાં મને બહુ ખુશી થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે હું આ મંચ પર બ્રુસ સ્પ્રિંગસ્ટીનને જોયા હતા, પણ તેમને આવું ભવ્ય સ્વાગત નથી જોયું, જે વડા પ્રધાનને મળ્યું છે. વડા પ્રધાન મોદી બોસ છે.

વડા પ્રધાને તેમના સંબોધનમાં બ્રિસબેનમાં ભારતનું નવું કાઉન્સિલેટ ખોલવાની જાહેરાત કરી હતી.  તેમણે કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી યુવા ટેલેન્ટ ફેક્ટરી ભારત છે.