વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયે વિદેશમાં પ્રવાસે જતાં દેશનાં નાગરિકોને ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા અલ-ઝવાહિરીને અમેરિકાએ મિસાઈલ હુમલામાં ખતમ કર્યો એને પગલે અલ-કાયદા અને તેના સમર્થકો બદલો લે એવી સંભાવના છે. વિશ્વવ્યાપી ચેતવણીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 2022ની 31 જુલાઈએ અયમાન અલ-ઝવાહિરીના મોતને પગલે અમેરિકન-વિરોધી હિંસા ફેલાવાની પૂરી શક્યતા છે. આતંકવાદી સંગઠનો દુનિયાભરમાં અનેક પ્રદેશોમાં અમેરિકાનું હિત હોય એવા સ્થળો પર ત્રાસવાદી હુમલાઓ કરવાની યોજના ઘડવાનું ચાલુ રાખશે એવી બાતમી મળી છે. આતંકવાદી હુમલાઓ ઘણી વાર કોઈ પ્રકારની ચેતવણી અપાયા વગર કરવામાં આવતા હોવાથી અમેરિકન નાગરિકોએ દુનિયાના દેશોમાં પ્રવાસ કરતી વખતે ખૂબ જ સતર્ક રહેવું.
71 વર્ષના ઝવાહિરીને અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ સંચાલિત ડ્રોન મિસાઈલ હુમલામાં ખતમ કરવામાં આવ્યો હતો. ઝવાહિરી અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં એક મકાનમાં રહેતો હતો. તે જેવો એની બાલકનીમાં આવ્યો કે હેલફાયર મિસાઈલ હુમલા વડે એને ખતમ કરી દેવામાં આવ્યો હતો. હુમલામાં એના પરિવારના બીજા કોઈ પણ સભ્યો કે નાગરિકોની જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી. ઝવાહિરીને ખતમ કરવા સીઆઈએ અધિકારીઓ અનેક મહિનાઓથી સક્રિય હતા.