વોશિંગ્ટનઃ અમેરિકામાં આજથી નવી સરકાર સત્તા સંભાળશે. ડેમોક્રેટિક પાર્ટીના નવા ચૂંટાયેલા પ્રમુખ જોસેફ બાઈડન દેશના 46મા પ્રમુખ તરીકે આજે શપથ ગ્રહણ કરશે. એમની સાથે એમનાં ડેપ્યુટી અને ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસ પણ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે અત્યંત કડક બંદોબસ્ત હેઠળ યોજાશે. એ માટે રાષ્ટ્રીય પાટનગર વોશિંગ્ટન ડીસીમાં સલામતીનો અભૂતપૂર્વ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પહેલી જ વાર પાટનગરમાં 25,000 અમેરિકી સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સૈનિકો હાથમાં હેન્ડગન્સ કે રાઈફલ સાથે શહેરભરમાં પહેરો ભરશે.
યૂએસ કેપિટોલ બિલ્ડિંગ (સંસદભવન)ના પશ્ચિમ ભાગમાં શપથ લેશે. 78 વર્ષના બાઈડન એમના 127-વર્ષ જૂનાં પારવારિક બાઈબલ ગ્રંથ પર હાથ મૂકીને શપથ લેશે. એ ગ્રંથને એમના પત્ની ડો. જિલ બાઈડન હાથમાં પકડી રાખશે. બાઈડન સૌથી મોટી વયના પ્રમુખ બનશે. અમેરિકાનાં 49મા ઉપપ્રમુખ તરીકે શપથ લઈને કમલા હેરિસ આજે ઈતિહાસ સર્જવાનાં છે, કારણ કે તેઓ આ પદ ગ્રહણ કરનાર અમેરિકાના પ્રથમ મહિલા હશે, પ્રથમ અશ્વેત નાગરિક હશે અને ભારતીય મૂળના તથા દક્ષિણ એશિયાઈ મૂળનાં પ્રથમ વ્યક્તિ હશે.