વોશિંગ્ટનઃ 2008માં મુંબઈમાં કરાયેલા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા પાકિસ્તાની-કેનેડિયન વેપારી તહવ્વૂર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરી દેવાની અમેરિકાની એક અદાલતે મંજૂરી આપી છે.
હાલ 62 વર્ષનો થયેલો રાણા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે લશ્કર-એ-તૈબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં છ અમેરિકન નાગરિક સહિત 164 જણનો ભોગ લેનાર કરેલા હુમલાઓમાં તહવ્વૂર રાણાની પણ ભૂમિકા હતી. એ માટે અમેરિકામાં એની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલા કરવાનો પ્લાન લશ્કર-એ-તૈબાએ ઘડ્યો હતો. તેને મદદરૂપ થાય એવી સામગ્રી રાણાએ પૂરી પાડી હતી. એ માટે તેને 2011માં શિકાગોની કોર્ટમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.
કેલિફોર્નિયાની ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં મેજિસ્ટ્રેટ જજ જેક્લીન ચૂલજિયાને 48-પાનાંનો ઓર્ડર તૈયાર કર્યો છે. એમાં તેમણે કહ્યું છે કે કોર્ટે એને સુપરત કરાયેલા તમામ દસ્તાવેજોનો અભ્યાસ કર્યો છે અને સુનાવણી દરમિયાન બંને પક્ષની દલીલો સાંભળી છે. તેના આધારે જ કોર્ટે નિર્ણય લીધો છે અને આરોપી રાણાની સોંપણી ભારતને કરી દેવાની અમેરિકાના વિદેશ પ્રધાનને મંજૂરી આપી છે.
ભારત અને અમેરિકા વચ્ચે ગુનેગારોના પ્રત્યાર્પણ વિશે 1997માં કરાર કરવામાં આવ્યો હતો. તેના આધારે જ ભારત સરકારે રાણાની સોંપણી કરી દેવાની અમેરિકાની સરકારને વિનંતી કરી હતી.