પાકિસ્તાનસહિત 12-દેશો માટે UAEનો વિઝા-પ્રતિબંધ; ભારત બાકાત

ઇસ્લામાબાદઃ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ પાકિસ્તાન સહિત 12 દેશોના પ્રવાસીઓ માટે નવા વિઝિટ વિઝા જારી કરવા માટે હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે. આ 12 દેશોમાં ભારતનો સમાવેશ કરાયો નથી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે યુએઈના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરને સંબંધિત માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિસ ચૌધરીએ કહ્યું હતું કે યુએઈએ પાકિસ્તાન સહિત 12 દેશો માટે હંગામી ધોરણે નવા પ્રવાસી વિઝા જારી કરવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે તેમણે કહ્યું હતું કે પહેલેથી જારી કરાયેલા વિઝા માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે.

યુએઈ સરકારે પાકિસ્તાન ઉપરાંત તુર્કી, ઈરાન, યમન, સિરિયા, ઈરાક, સોમાલિયા, લિબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનના લોકો પર પ્રવાસી વિઝા જારી કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. યુએઈ સરકારનો આ નિર્ણય પાકિસ્તાનમાં કોવિડ-19ના કેસો વધી જતાં લેવામાં આવ્યો છે.

ગયા જૂનમાં યુએઈએ પાકિસ્તાનમાં કોરોનાના કેસ વધી જતાં પ્રવાસી સેવાઓ પર હંગામી રીતે પ્રતિબંધની ઘોષણા કરી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 3,65,927 કેસ નોંધાયા છે.