લંડન – શરાબના વ્યાપારી વિજય માલ્યાએ ભારતની બેન્કોને ફરીથી કહ્યું છે કે એણે લોન પેટે ચૂકવવાની નીકળતી પૂરેપૂરી મૂળ રકમ તેઓ એની પાસેથી લઈ લે. માલ્યાએ આ વિનંતી ગુરુવારે બ્રિટિશ હાઈકોર્ટમાં ત્રણ-દિવસની અપીલ-કાર્યવાહીના અંત ભાગમાં કરી હતી.
બ્રિટનમાં માલ્યા સામે ભારત સરકારે કરેલા પ્રત્યાર્પણ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.
64 વર્ષીય અને કિંગફિશર એરલાઈન્સના ભૂતપૂર્વ માલિક માલ્યા પર આરોપ છે કે એ ભારતની બેન્કો પાસેથી રૂ. 9000 કરોડની લોન લઈને ભારતમાંથી ફરાર થઈ ગયો છે. ભારતની બેન્કો સાથે છેતરપિંડી કરવાનો અને મની લોન્ડરિંગનો એની પર આરોપ છે.
ગઈ કાલે રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસની બહાર માલ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘મેં ભારતીય બેન્કોને બે હાથ જોડીને વિનંતી કરી કે તમે તમારી મૂળ રકમ પૂરેપૂરી તાત્કાલિક પાછી લઈ લો.’
માલ્યાએ ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે, ‘એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) બંને કેન્દ્રીય એજન્સી મારી સંપત્તિ માટે ઝઘડે છે અને આ કાર્યવાહીમાં પોતાની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરતા નથી.’
માલ્યાએ કહ્યું કે, ‘હું લોનની રકમ ચૂકવતો નથી એવી બેન્કોએ ફરિયાદ કર્યા બાદ ઈડી એજન્સીએ મારી સંપત્તિને ટાંચ મારી છે. મેં ભારતના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એવો કોઈ ગુનો નથી કર્યો કે જેને કારણે ઈડી એજન્સીએ મારી સંપત્તિને ટાંચ મારવી પડે.’
‘હું બેન્કોને કહું છું કે મહેરબાની કરીને તમારા પૈસા પાછા લઈ લો. ઈડી એજન્સી ના પાડે છે એ કહે છે કે સંપત્તિ પર એનો દાવો છે. આમ, એક તરફ ઈડી છે અને બીજી બાજુ બેન્કો છે, જેઓ મારી એક જ સંપત્તિ માટે આપસમાં ઝઘડે છે.’
ભારત પાછા ફરવા વિશે માલ્યાએ કહ્યું કે, ‘જ્યાં મારો પરિવાર રહે છે, જ્યાં મારા વ્યાપારી હિતો છે ત્યાં મારે જવું જોઈએ. જો સીબીઆઈ અને ઈડી અધિકારીઓ યોગ્ય રીતે વર્તે તો વાત બને. છેલ્લા ચાર વર્ષથી તેઓ મારી સાથે યોગ્ય રીતે વર્તતા નથી.’
માલ્યાની દલીલોને બે જજની બેન્ચે સાંભળી હતી – લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઈરવીન અને જસ્ટિસ એલિઝાબેથ લેઈંગ. હવે તેઓ કોઈક તારીખે પોતાનો ચુકાદો આપશે.
ભારતે કરેલા પ્રત્યાર્પણના કેસમાં માલ્યા હાલ જામીન પર છૂટ્યો છે. એને કોર્ટમાં કાર્યવાહી દરમિયાન હાજર રહેવાનું ફરજિયાત નથી કરાયું, તે છતાં કાર્યવાહી જોવા માટે એ ત્રણેય દિવસ હાજર રહ્યો હતો.