70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસઃ પાક વિરુદ્ધ ભારતે કેસ જીત્યો

લંડન: હૈદરાબાદના નિઝામના પૈસાથી જોડાયેલા એક 70 વર્ષ જૂના કેસમાં છેવટે હવે ચુકાદો ભારત પક્ષે આવ્યો છે. લંડનની એક બેન્કમાં આશરે સાત દાયકાથી કરોડો રૂપિયા ફસાયેલા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખ્ખો પાઉન્ડ મળશે, એટલું જ નહીં, પાકિસ્નને પણ ભારતને રૂ. 26 કરોડ આપવા પડશે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવાના ખર્ચના પૈસામાં 65 ટકા છે. લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રિટનમાં હાઇ કમિશનને 35 મિલિયન પાઉન્ડ (રૂ. 325 કરોડ) પોતાના હિસ્સા સ્વરૂપે મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર, 1948થી નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્ક અકાઉન્ટમાં ફસાયેલી હતી. પાકિસ્તાને પણ રૂપિયા પર દાવો કર્યો હતો.

ભારતને કાનૂની ખર્ચની રકમ પણ મળી

પાછલા વર્ષે ઓક્ટોબરમાં હાઇકોર્ટે ભારત અને મુકર્રમ જાહ(હૈદરાબાદના આઠમા નિઝામ)ના પક્ષમાં ચુકાદો આપ્યો છે. મુકર્રમ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાનની સામે લંડન હાઇકોર્ટમાં પાછલાં છ વર્ષથી આ કેસ લડી રહ્યા હતા. આ રૂપિયા કોર્ટે ટ્રાન્સફર કર્યા છે.  અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાને ભારત સરકારને આશરે રૂ. 26 કરોડ ચૂકવ્યા છે, જે ભારતે આ કેસમાં કરેલા ખર્ચના 65 ટકા છે. જોકે બાકીના ખર્ચ માટે પણ વાત ચાલી રહી છે.  આઠમા નિઝામના વકીલે પણ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમના ક્લાયન્ટને કેસ લડવા માટેના ખર્ચની 65 ટકા રકમ મળી ગઈ છે. ભારતને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ) મળ્યા છે, જે રૂપિયાને નવી દિલ્હી ટ્રાન્સફર કરાશે.

શું છે આ 70 વર્ષ જૂનો નિઝામ કેસ?

70 વર્ષ પહેલા હૈદરાબાદ સરકારને એ વખતના નાણાપ્રધાન મોઇન નવાઝ જંગે 20 સપ્ટેમ્બર, 1948એ એક મિલિયન પાઉન્ડ અને એક ગિન્ની મોકલી હતી.  ત્યાર બાદ આ રૂપિયા હૈદરાબાદ રાજ્યના નાણાપ્રધાને બ્રિટનના તત્કાલીન પાક હાઇકમિશનર હબીબ ઇબ્રાહિમ રહીમટૂલાને ટ્રાન્સફર કરી હતી. આ ટ્રાન્સફર હૈદરાબાદ રાજ્યને ભારતમાં ભેળવતી વખતે થઈ હતી. ત્યારથી આ રકમ વધીને 35 મિલિયન પાઉન્ડ થઈ હતી. ભારતે આ રૂપિયા પર દાવો કર્યો હતો કે 1965માં નિઝામે આ રૂપિયા ભારતને આપ્યા હતા.