ટેન્શન વધારી રહેલા બાંગ્લાદેશને 1971 યાદ કરાવ્યું રશિયાએ

નવી દિલ્હીઃ રશિયાએ બાંગ્લાદેશને સલાહ આપી છે કે તે ભારત સાથે ચાલી રહેલા ટેન્શનને વહેલી તકે ઘટાડે. રશિયાએ કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સારા સંબંધો પ્રદેશની શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જ જરૂરી છે. ઢાકામાં રશિયાના રાજદૂત એલેક્ઝાન્ડર ગ્રિગોરિયેવિચ ખોજિને જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેન્શન ઓછું થવું જોઈએ. તેમણે યાદ અપાવ્યું હતું કે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે ભારતની મોટી ભૂમિકા રહી હતી અને એ સમયે રશિયાએ પણ તેને સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારત, બાંગ્લાદેશ અને રશિયાએ ખભેખભો મિલાવીને સાથે કામ કર્યું છે. રશિયન રાજદૂતે એ પણ કહ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ટેન્શન વધવું યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ ભારત અને બાંગ્લાદેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નથી કરતો, પરંતુ તેમનો મત છે કે બંને દેશોએ સમજદારીથી વર્તવું જોઈએ, જેથી હાલનું ટેન્શન વધુ ન વધે.

અમેરિકન સાંસદોએ બાંગ્લાદેશમાં હિંદુ વ્યક્તિની હત્યાની નિંદા કરી

અમેરિકન સાંસદોએ બાંગ્લાદેશમાં એક હિંદુ વ્યક્તિની ભીડ દ્વારા માર મારીને કરવામાં આવેલી હત્યાની કડક નિંદા કરી છે. સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ વધતી અસ્થિરતા અને અશાંતિ વચ્ચે દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી હત્યાની આકરી નિંદા કરી છે. તેમણે બાંગ્લાદેશી અધિકારીઓને જવાબદારી નિશ્ચિત કરવા, ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં એક હિંદુ વ્યક્તિ દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા થયેલી હત્યાથી હું સ્તબ્ધ છું — આ હિંસા એવું કૃત્ય છે જે ખતરનાક અસ્થિરતા અને અશાંતિના સમયમાં થયું છે.

તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે સંપૂર્ણ રીતે પારદર્શક તપાસ કરવી જોઈએ અને તમામ દોષિતોને કાયદા હેઠળ આકરામાં આકરી સજા આપવી જોઈએ. એ સાથે-સાથે હિંદુ સમુદાયો અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકોને હિંસાથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.