વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને લોસ એન્જેલિસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરીથી નામાંકિત કર્યા છે. દેશની સંસદના ઉપલા ગૃહ સેનેટને નામાંકન ફરી મોકલ્યા બાદ વ્હાઈટ હાઉસ તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કેલિફોર્નિયાના એરિક એમ. ગાર્સેટીને ભારત પ્રજાસત્તાક ખાતે અમેરિકાના રાજદૂત બનશે.’
ગાર્સેટીના નામાંકનની જાહેરાત છેક 2021ના જુલાઈમાં કરવામાં આવી હતી, પરંતુ સેનેટ તરફથી નિર્ણય ન લેવાતાં તે નિમણૂક હજી અધ્ધર લટકે છે. તે પછી, ગયા ડિસેમ્બરમાં વ્હાઈટ હાઉસે જાણકારી આપી હતી કે ગાર્સેટીની નિમણૂકને પૂર્ણ સેનેટ સમર્થન આપશે એવી આશા રખાય છે.
ગાર્સેટીનું નામાંકન અટવાઈ જવા પાછળનું કારણ એ છે કે, એમની સામે એમના એક ભૂતપૂર્વ રાજકીય સહાયકે કથિત જાતીય સતામણી અને ધમકીના આક્ષેપ કર્યા છે. ગાર્સેટીએ તે આક્ષેપોની અવગણના કરી છે અને તેને વારંવાર નકારી કાઢ્યા છે, પરંતુ સેનેટમાં બંને પક્ષનાં સભ્યો આ મામલે ચિંતિત છે. તેથી એમણે ગાર્સેટીના નામાંકનને અટકાવી રાખ્યું છે.