જિનેવાઃ ભયાનક અને આખા વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર જીવલેણ એવી કોરોના વાઈરસ મહાબીમારી સામે બચાવ માટે તાકીદની સ્થિતિમાં ઉપયોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માન્યતા મેળવનાર ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી વિશ્વમાં આ પ્રકારની પહેલી રસી બની છે. અત્યાર સુધી આ રસી યુરોપ અને ઉત્તર અમેરિકામાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે ગરીબ દેશોને પણ એ પ્રાપ્ત થશે.
ભારત સહિત જુદા જુદા દેશોની ઔષધ નિયામક એજન્સી (રેગ્યુલેટર) કોઈ પણ કોવિડ-19 રસી માટે પોતપોતાની રીતે મંજૂરી આપે છે, પરંતુ ગરીબ અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા ધરાવતા ગરીબ દેશો સામાન્ય રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા પર નિર્ભર હોય છે. WHO તરફથી જણાવાયું છે કે ફાઈઝર-બાયોએનટેક દ્વારા નિર્મિત કોરોના રસી વિશ્વ સંસ્થા દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા માપદંડો તથા ધોરણો (માનક)માંથી પાર ઉતરી છે. આ રસીને ઘણા ઓછા તાપમાનમાં સાચવવી પડે છે, જે વિકાસશીલ, ગરીબ દેશો માટે એક મોટા પડકાર સમાન છે.