સિંગાપોરે ફાઈઝરની કોરોના રસીને મંજૂરી આપી

સિંગાપોરઃ 57 લાખની વસ્તી ધરાવતા શહેર-દેશ સિંગાપોરની સરકારે ફાઈઝર-બાયોએનટેકની નોવેલ કોરોનાવાઈરસ રસીને મંજૂરી આપી દીધી છે. રસીકરણની પ્રક્રિયાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે. 68 વર્ષના વડા પ્રધાન લી સીયેન લૂંગે આજે જણાવ્યું છે કે દેશના મોટી ઉંમરના લોકોને રસી પહેલા આપવામાં આવશે, મને, મારા સહયોગીઓ અને મોટી ઉંમરના લોકોને સૌથી પહેલાં રસી આપવામાં આવશે. દેશની જનતાને એ બતાવવા માટે જ અમે આમ કરવાના છીએ કે રસી સુરક્ષિત છે એની અમને પૂરી ખાતરી છે. 2021ના પહેલા ચાર મહિનામાં દેશના પ્રત્યેક નાગરિકને કોરોના રસી આપી શકાશે એટલો રસીનો પૂરતો સ્ટોક મળવાની અમને આશા છે. તમામ રહેવાસીઓને આ રસી મફતમાં આપવામાં આવશે.

સિંગાપોર ઉપરાંત અમેરિકા, કેનેડા તથા બીજા અમુક દેશો ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી ચૂક્યા છે.