યેરુસલેમઃ ઈઝરાયલ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં નાગરિકો માટે હવે જાહેરમાં મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. માસ્ક પહેરવામાંથી એમને આજથી જ મુક્તિ મળી ગઈ છે. જોકે નાગરિકોએ ઘરમાં કોઈ બહારની વ્યક્તિ સાથેના સંપર્ક વખતે મોઢા પર માસ્ક પહેરવો પડશે. આ સાથે જ આ ટચૂકડા દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનો સૌથી કપરો કાળ હવે ભૂતકાળ બની ગયો છે. આનું કારણ દેશે ઝડપથી પૂરી કરેલી રસીકરણ ઝુંબેશ છે. રસીકરણને કારણે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. દેશની 90 લાખની વસ્તીના આશરે 50 લાખ લોકોને કોરોના-રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે 3 લાખ લોકો જ એવા છે જેમણે હજી રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. એક વર્ષમાં પહેલી જ વાર આજથી દેશભરમાં શાળાઓ ફરી સંપૂર્ણપણે શરૂ થઈ છે. વિદ્યાર્થીઓને નાના જૂથમાં રાખવાને બદલે પૂરા વર્ગમાં બેસાડીને ભણાવવામાં આવ્યા છે. જોકે વિદ્યાર્થીઓ માટે વર્ગોની અંદર માસ્ક પહેરવાનું હજી જરૂરી રખાયું છે.
ઈઝરાયલમાં કોરોનાવાઈરસના કુલ 8,36,882 કેસ નોંધાયા હતા અને 6,331 જણના મરણ થયા હતા.
