હવાથી ફેલાય છે કોરોનાઃ નિષ્ણાતોએ આપ્યા પુરાવા-સલાહ

લંડનઃ બ્રિટન, અમેરિકા અને કેનેડાના છ તબીબી નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળો હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ ‘લેન્સેટ’માં આ નિષ્ણાતોના સંશોધનની પૂરી જાણકારી આપવામાં આવી છે. એમનું કહેવું છે કે માનવીઓમાં કોરોના ફેલાયો એ માટે SARS-COV-2 વાઈરસ જવાબદાર છે. માસ્ક પહેરવા છતાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ જાળવવા છતાં અમુક લોકોને આ વાઈરસનો ચેપ લાગે છે. હવાથી ફેલાતો હોવાથી એક માનવીમાંથી બીજામાં સહેલાઈથી ફેલાય છે. ઓક્સફર્ડ યૂનિવર્સિટીના ટ્રિશ ગ્રીનહોલનાં વડપણ હેઠળ નિષ્ણાતોની ટીમે કરેલા સંશોધનનું તારણ છે કે SARS-CoV-2 નો ચેપ આઉટડોર કરતાં ઈન્ડોરમાં વધારે ફેલાય છે. ઉધરસ કે છીંક ખાતા ન હોય એવા લોકો, જેમને કોઈ લક્ષણ ન હોય એવા તેઓ પણ કોરોનાના ચેપનો શિકાર બની રહ્યા છે.

ચેપને આ રીતે રોકી શકાય

નિષ્ણાતોનું માનવું છે કે હવાથી ફેલાતો ચેપ રોકવા માટે ઘરમાં વેન્ટિલેશન અને શુદ્ધ હવાની અવરજવર ચાલુ રહેવી જરૂરી છે. ટોળામાં ઓછા રહેવું, ઘરની અંદર સૌથી ઓછો સમય વિતાવવો અથવા પોતાની રૂમમાં અન્ય વ્યક્તિને આવવા ન દેવી. ઘરની અંદર રહેતા હો ત્યારે પણ મોઢા પર માસ્ક પહેરી રાખવો. અલાયદા રૂમમાં રહેતા હો તો ત્યાં પણ વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી. માસ્કની ગુણવત્તા અને ફિટિંગ ઉપર પણ ધ્યાન આપવું. ઉચ્ચ ગુણવત્તાવાળું પીપીઈ કિટ પહેરીને જ કોઈ ચેપી વ્યક્તિને મળવું.