બ્રિટનમાં આજથી મોઢા પર માસ્ક પહેરવાનું બંધ

લંડનઃ બ્રિટનની સરકારે કોરોનાવાઈરસના વેરિઅન્ટ ઓમિક્રોનના ચેપને રોકવા માટેના મોટા ભાગના નિયંત્રણોને દેશભરમાં આજથી ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. આમાં ફેસ માસ્ક ફરજિયાત પહેરવા સહિતના નિયમનો પણ સમાવેશ થાય છે, જે આજથી અમલમાં નહીં રહે. નાગરિકોને કોરોના-પ્રતિરોધક રસીના બૂસ્ટર ડોઝ અપાયા બાદ કોરોનાને કારણે ગંભીર રીતે બીમાર પડતા લોકો અને હોસ્પિટલમાં દાખલ કરાતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો લાવવામાં સફળતા મળ્યા બાદ સરકારે ફેસ માસ્ક સહિતના મોટા ભાગના નિયંત્રણોને આજથી ઉઠાવી લીધા છે.

હવે જાહેર સ્થળોએ મોઢા પર માસ્ક પહેરવાનું આજથી કાયદેસર રીતે ફરજિયાત નહીં રહે. તેવી જ રીતે, નાઈટક્લબો તથા અન્ય મોટા સ્થળોમાં પ્રવેશ માટે કોવિડ-પાસ બતાવવાની કાયદેસર આવશ્યક્તાવાળો નિયમ પણ રદ કરી દેવાયો છે. સરકારે લોકોને એમનાં ઘેરથી કામ કરવાની અને વિદ્યાર્થીઓને શાળાનાં વર્ગોમાં ભણતી વખતે પણ મોઢા પર માસ્ક પહેરવાની સલાહને તો ગયા અઠવાડિયે જ પડતી મૂકી દીધી હતી. બ્રિટનમાં 12 વર્ષથી ઉપરની વયનાં 84 ટકા લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. એમાંના 81 ટકા લોકોએ તો એમનો બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે.