નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને PTIના સંસ્થાપક ઇમરાન ખાનના બુશરા બીબીથી કરવામાં આવેલા નિકાહને ગેરકાયદે ઘોષિત કરવામાં આવ્યા છે. તેમના બિન-ઇસ્લામિક નિકાહમાં બંને જણને સાત-સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. એક દિવસ પહેલાં જેલની અંદર આશરે 14 કલાક ચાલેલી સુનાવણી પછી કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
બુશરા બીબી પર આરોપ હતો કે તેમણે તેમના પહેલા પતિ ફરીદ માનેકાને તલાક આપ્યા પછી અને ઇમરાન ખાનથી નિકાહ કરતાં પહેલાં જરૂરી વેઇટિંગ પિરિયડ એટલે કે ઇદ્દતને પૂરો નહોતો કર્યો.
ઇસ્લામમાં શરિયત મુજબ કોઈ મુસ્લિમ મહિલા પતિના મૃત્યુ પછી બીજાં લગ્ન કરવા માટે થોડોક સમય પ્રતિબંધ હોય છે- એ જ ઇદ્દત છે. આ ઇદ્દત વખતે મહિલા બીજાં લગ્ન નથી કરી શકતી. આ વચ્ચેના સમયને ઇદ્દત કહેવામાં આવે છે. આ સમય ચાર મહિના અને 10 દિવસનો હોય છે. એ દરમ્યાન મહિલાએ પરાયા પુરુષોથી પડદો પણ રાખવો જરૂરી છે.
કોર્ટે આજે અદિયાલા જેલમાં બંધ પાકિસ્સાતનની પાર્ટી PTIના સંસ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને ગેરકાયદે નિકાહને મામલે સાત-સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. એ સાથે બંને જણ પર રૂ. પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો આવ્યો, ત્યારે ઇમરાન ખાન અને બુશરા બીબી કોર્ટમાં હાજર હતાં.
આ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને પાકિસ્તાનની એક કોર્ટે તોશાખાના કેસમાં 14 વર્ષની સજા કરી છે. આ ચુકાદાના એક દિવસ પહેલાં જ ઇમરાનને સાઇફર મામલામાં દસ વર્ષની સજા થઈ હતી.