પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓનો હુમલોઃ 10નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આઠ ફેબ્રઆરીએ થનારી સામાન્ય ચૂંટણી પહેલાં સોમવારે પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓના હુમલામાં કમસે કમ 10 પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે અને છ અન્ય ઘાયલ થયા છે. ડેરા ઇસ્માઇલ ખાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એ હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબાન તહેસિલના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. હજી સુધી આ હુમલાની કોઈ જવાબદારી કોઈ પણ સંગઠને નથી લીધી.

જિલ્લા પોલીસ અધિકારી નાસિર મહમૂદે કહ્યું હતું કે ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓએ દ્વારા તક જોઈને હુમલો કર્યો હતા. આ હુમલામાં 10 જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય છ જણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ અને ભારે ગોળીબારથી હુલમો કરવામાં આવ્યો હતો, જે પછી પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, પણ આતંકવાદી ત્યાંથી ભાગ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને તપાસ શરૂ કરી હતી અને ત્વરિત પ્રતિક્રિયા દળ વધારાના દળની સાથે પહોંચ્યાં હતાં. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 30મી જાન્યુઆરીએ બોંબ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયાં હતા. મૃતકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ત્રણ કાર્યકર્તાનો પણ હતા. આ વિસ્ફોટ ઇમરાન ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજિત એક રેલી દરમિયાન થયો હતો.