ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભીષણ સ્નોફોલે પાછલાં 15થી 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુર્રીમાં રાતભરમાં ભારે હિમપ્રપાતની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં થયેલી બરફવર્ષાને કારણે ગાડીઓમાં ફસાયેલા કમસે કમ 21 પર્યટકોનાં મોત થયાં છે. હજી પણ કમસે કમ 1000 ગાડીઓ અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલી રહી હતી. વડા પ્રધાને પણ પર્યટકોના મોત પર સંવેદના વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા.
પાકિસ્તાની પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન ઉસ્માન બુઝદારે બચાવ કાર્યમાં તેજી લાવવા અને ફસાયેલા પર્યટકોને મદદ કરવા નિર્દેશ જારી કર્યા છે. અત્યાર સુધી નવ બાળકો સહિત 21 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રાશિદ અહમદે કહ્યું હતું કે 15થી 20 વર્ષોમાં સૌપ્રથમ વાર પર્યટક હિલ સ્ટેશન પર આવ્યા હતા. જેથી એક મોટું સંકટ પેદા થયું હતું.
તેમણે કહ્યું હતું કે રાવલપિંડી અને ઇસ્લામાબાદ વહીવટી તંત્ર પોલીસની સાથે ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાની પાંચ પલટન પણ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. પાકિસ્તાન મોસમ વિભાગે છઠ્ઠી નવ જાન્યુઆરીની વચ્ચે મુરી અને ગલિયતમાં ભારે હિમપ્રપાતની ભવિષ્યવાણી કરી હતી.