UAEમાં કરાં સાથે મુશળધાર વરસાદઃ રણમાં આવ્યું પૂર

દુબઈઃ ગલ્ફના દેશોમાં વરસાદ નહીંવત્ થતો હોય છે, પરંતુ કદાચ જળવાયુ પરિવર્તનની અસર છે, જેથી અહીં UAEના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ જારી છે. અહીં અબુ ધાબી અને અલ યેન જેવાં મુખ્ય શહેરોમાં સોમવાર રાતથી વીજ ચમકી રહી છે અને અટકી-અટકીને ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે રણમાં પૂર આવી ગયું છે. UAEમાં નેશનલ સેન્ટર ઓફ મીટિરિયોલોજી (NCM) દ્વારા કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ સહિત પૂર અને વંટોળનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અહીં પડેલા ભારે વરસાદને કારણે UAEના ક્રાઉન પ્રિન્સે સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરવાની ઘોષણા કરી છે. UAEમાં પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મધ્યમ સ્તરનું પૂર આવ્યું છે. શારજાહ અને અલ એનમાં વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ થયો હતો. એ વખતે કેટલીય જગ્યાએ ખૂબ કરાં પણ પડ્યા હતા.

સોશિયલ મિડિયા પર કેટલાય લોકોએ દુબઈ અને અલ એન સહિત વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને કરાંવૃષ્ટિ સાથેના વરસાદના વિડિયો પણ શેર કર્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવાર સુધી વરસાદ થવાનો અંદાજ છે. જોકે હવામાન વિભાગે કેટલીય જગ્યાએ વીજ ચમકવાની અને વરસાદ વરસવાની આગાહી કરી છે.આ મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખતાં ક્રાઉન પ્રિન્સ અને કાર્યકારી પરિષદના અધ્યક્ષ શેખ અમ્માર બિન હુમૈદ અલ નુઆઇમીએ નિર્દેશ આપ્યો હતો કે સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની છૂટ રહેશે, જોકે એ કર્મચારીઓ સામેલ નહીં થાય, જેના માટે કાર્યસ્થળે હાજર રહેવું જરૂરી છે.