ઇઝરાયેલ-ઇરાન વચ્ચે 48 કલાકમાં મહાયુદ્ધની આશંકા

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ટેન્શન પ્રવર્તી રહ્યું છે. અમેરિકા તરફથી સતત હસ્તક્ષેપથી ઇરાન નારાજ છે. હાલના સમયે બંને દેશો વચ્ચે એક વધુ યુદ્ધની આશંકા છે. એ દરમ્યાન ભારત સરકારે એક એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે ભારતના નાગરિક થોડા સમય માટે ઇરાનને ઇઝરાયેલમાં પ્રવાસ કરવાનું ટાળે.

 ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જારી કરીને કહ્યું હતું કે બંને દેશોમાં રહેલા ભારતીયોને ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવી છે. સાવધાની રૂપે અને સુરક્ષાની દ્રષ્ટિએ કમસે કમ મુવમેન્ટ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ ઇરાન આગામી 48 કલાકની અંદર ઇઝરાયેલ પર સીધો હુમલો કરે એવી શક્યતા છે, જ્યારે ઇઝરાયેલ એનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ટકરાવ ત્યારે થઈ રહ્યો છે, જ્યારે એ ગાઝામાં હમાસની સાથે યુદ્ધ કરી રહ્યું છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો કોઈ અંત નજીકમાં નથી દેખાતો. ઇરાનના વડા આયાતોલ્લા અલી ખોમિનીના એક સલાહકારે કહ્યું હતું કે આ હુમલાની યોજનાના રાજકીય સમીક્ષા થઈ રહી છે.

મિડલ ઇસ્ટમાં આ તાજું ટેન્શન ત્યારે ઊભું થયું છે, જ્યારે ઇરાને સિરિયામાં પોતાની એમ્બેસી પર થયેલા હુમલા માટે ઇઝરાયેલને દોષી ઠેરવ્યું હતું, જેમાં એક ટોચના ઇરાની જનરલ અને છ અન્ય સૈન્ય અધિકારી માર્યા ગયા હતા. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ પહેલી એપ્રિલે દમિશ્કમાં ઇરાનના વેપારી દૂતાવાસ પર હુમલો કર્યો હતો.