લંડનઃ જંગલ સળગી રહ્યાં છે, લોકો મરી રહ્યા છે. એરપોર્ટના રનવે પીગળી રહ્યાં છે. રસ્તાઓ પર ડામર પીગળી રહ્યાં છે. ફરી લોકડાઉન લાગ્યું હોય એમ રસ્તાઓ સૂમસામ છે. હાલના સમયે યુરોપઆખાની આ સ્થિતિ છે. યુરોપમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બ્રિટનના ઇતિહાસમાં સૌપ્રથમ વાર પારો 40 ડિગ્રીની પાસ પહોંચ્યો છે. આ પહેલાં તાપમાન 2019માં 39.1 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. સ્પેન-પોર્ટુગલમાં 1000થી વધુ લોકોનાં મોત ગરમીને કારણે થઈ ચૂક્યાં છે.
બ્રિટનમાં હાઉસ કોમન્સમાં સ્પીકર લિન્ડસે હોયલેએ જણાવ્યું હતું કે જો સાંસદ ટાઇ-સુટ ના પહેરવા ઇચ્છે તો તો એવું કરી શકે છે. બ્રિટનમાં ભીષણ કરમીથી રસ્તાઓ પરના ડામર પીગળવા લાગ્યા છે. લૂટન એરપોર્ટનો રનવે પણ પીગળી રહ્યો છે. રેલવે ટ્રેક પણ ગરમીથી ફૂલી રહ્યા છે. જેથી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં લોકોને ટ્રેનથી યાત્રા ના કરવાની સલાહ આપવામાં આવી છે. યુકેનું રેલવે નેટવર્ક આ કાળઝાળ ગરમી સહન નથી કરી શકતું. એને અપગ્રેડ કરવામાં વર્ષો લાગશે, એમ ટ્રાન્સપોર્ટપ્રધાન ગ્રાંટ શૈપ્સે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પારો 40 ડિગ્રીએ થવાથી ટ્રેકનું તાપમાન 50 ડિગ્રી, 60 ડિગ્રી અને 70 ડિગ્રીએ પહોંચી જાય છે. જેથી ટ્રેક પીગળવા માંડે છે અને ટ્રેન પાટા પરથી ખડી પડવાનું જોખમ રહે છે.
બ્રિટન જ નહીં, પણ ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસ સહિત યુરોપના અનેક દેશો તપી રહ્યા છે. ઇંગ્લેન્ડના હવામાન વિભાગે હજી પારો વધવાની આગાહી કરી છે. સ્પેનમાં સતત આઠ દિવસથી હીટ વેવ ચાલી રહી છે. અત્યાર સુધી 510 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.. આ વર્ષે આગ લાગવાથી 1.73 લાખ એકર જમીન નષ્ટ થઈ ચૂકી છે. પોર્ટુગલમાં પણ 500થી વધુ લોકોનાં મોત થયાં છે.