બ્રિટનમાં સંસદની મધ્યસત્ર ચૂંટણીની સંભાવના ટળી

લંડનઃ બ્રિટનની સંસદના આમસભા ગૃહમાં બહુમતી સભ્યોએ શાસક રૂઢિચુસ્ત પાર્ટીની સરકારની તરફેણમાં મત આપતાં દેશમાં સંસદની મધ્યસત્ર ચૂંટણી યોજવાની સંભાવના ટળી ગઈ છે. રાજીનામું આપી દેનાર વડા પ્રધાન બોરીસ જોન્સનની સરકારે મતદાનમાં 349માંથી 238 મત હાંસલ કર્યા હતા. મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટી સરકાર બનાવવાની હરીફાઈમાં ઉતરે એ પહેલાં જોન્સને ગૃહમાં પોતાની સરકાર માટે વિશ્વાનો મત લેવાનું એલાન કર્યું હતું. હવે તેઓ એમાં વિજયી બનતાં દેશમાં ફરી ચૂંટણી યોજવાનું મુલતવી રહ્યું છે. જો સરકાર વિશ્વાસનો મત હારી ગઈ હોત તો દેશમાં નવેસરથી ચૂંટણી યોજવી પડત. વિપક્ષી નેતા કેઈર સ્ટાર્મર (લેબર પાર્ટી) તેમજ સ્કોટિશ નેશનલ પાર્ટીએ જોન્સન સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગૃહમાં મતદાન યોજવાની માગણી કરી હતી.

જોન્સને એમની કેબિનેટના સાથીઓ તથા પક્ષના કેટલાક સંસદસભ્યોએ એમની વિરુદ્ધ બળવો પોકારતાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને કહ્યું છે કે પાર્ટી વડા પ્રધાન તરીકે નવા નેતાની પસંદગી કરે ત્યાં સુધી પોતે હોદ્દા પર ચાલુ રહેશે.