પાકિસ્તાનના કબજાના કશ્મીરમાં મોંઘવારી વિરુદ્ધ લોકોનાં પ્રચંડ દેખાવો

પૂંચઃ પાકિસ્તાને કબજે કરેલા કશ્મીર (POK)માં અતિશય વધી ગયેલી મોંઘવારી તથા માનવ અધિકારોના ઉલ્લંઘનના મુદ્દાઓ પર લોકો હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહ્યાં છે. દેખાવકારોએ પૂંચ જિલ્લાનો મુખ્ય રોડ બ્લોક કરી દીધો છે. 1947માં ભારત, પાકિસ્તાન અલગ થયા બાદ કશ્મીરના પૂંચ જિલ્લાના પશ્ચિમ ભાગમાં વિદ્રોહ થયો હતો. કેટલાક લોકોએ પાકિસ્તાનનું સમર્થન માગ્યું હતું. એને કારણે બંને દેશ વચ્ચે લડાઈ થઈ હતી. જમ્મુ-કશ્મીરના મહારાજા ભારત સાથે જોડાઈ ગયા હતા. જ્યારે યુદ્ધવિરામ કરાયું ત્યારે કશ્મીરના બે ભાગ થઈ ગયા હતા. એક ભાગ પાકિસ્તાને પચાવી પાડ્યો હતો. પૂંચ જિલ્લાના બે ભાગ થઈ ગયા હતા. પૂર્વ તરફનો ભાગ ભારતને મળ્યો હતો જ્યારે પશ્ચિમનો ભાગ પાકિસ્તાનને.

પાકિસ્તાનના પૂંચની રાજધાની રાવલાકોટ છે. ત્યાં પોલીસે અત્યાર સુધીમાં 65 આંદોલનકારીઓની ધરપકડ કરી છે. એવા અહેવાલો છે કે પોલીસે મુખ્ય હાઈવે પર શાંતિપૂર્વક દેખાવો કરતા લોકો પર ગોળીબાર કર્યો હતો. એમાં કેટલાક લોકો જખ્મી થયા હતા, કેટલાકની હાલત ગંભીર છે. દાયકાઓથી ભારતનો દાવો છે કે રાવલાકોટ તેનો જ એક હિસ્સો છે. પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરના પૂંચ જિલ્લામાં સુધન અને આવાન સમાજનાં લોકોની બહુમતી વસ્તી છે.