લંડનઃ બ્રિટને જણાવ્યું છે કે કૃષિ નીતિ એ ભારત સરકારની આંતરિક બાબત છે. બ્રિટિશ સરકારે સાથોસાથ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના મામલે વાટાઘાટ થશે અને સકારાત્મક પરિણામ આવશે.
ભારતના ખેડૂત આંદોલન મામલે એક ઈ-પીટિશન ઉપર બ્રિટનની સંસદની અંદર આ ચર્ચા યોજવામાં આવી હતી. તેમાં બ્રિટનના એશિયા વિસ્તાર માટેના પ્રધાન નાઈજલ એડમ્સે ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે લોકશાહી તંત્રમાં વાણીસ્વાતંત્ર્યના સિદ્ધાંતમાં અને શાંતિપૂર્વક દેખાવો કરવાના અધિકારમાં બ્રિટિશ સરકાર દ્રઢપણે માને છે, પરંતુ સાથોસાથ આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે જો વિરોધ-આંદોલન એની હદ પાર કરીને ગેરકાયદેસરપણામાં પ્રવેશી જાય તો લોકશાહી તંત્રના જ સુરક્ષા દળોને પણ કાયદો-વ્યવસ્થાની સંભાળ લેવાનો અધિકાર બને છે. દરમિયાન, લંડનસ્થિત ભારતીય દૂતાવાસે ખેડૂત આંદોલન વિષયે બ્રિટિશ સંસદમાં સભ્યોએ ચર્ચા કરી એને વખોડી કાઢ્યું છે. દૂતાવાસે કહ્યું કે ચર્ચા ખોટા દાવાઓ પર આધારિત હતી અને સંપૂર્ણપણે એક-તરફી હતી.
