બ્રિટિશ શાહી પરિવાર પર હેરી-મેઘનનાં ખુલ્લા આરોપ

લોસ એન્જેલીસઃ બ્રિટનના શાહી પરિવારથી અલગ થયેલા પ્રિન્સ હેરી અને એમના પત્ની મેઘન માર્કલે ઓપ્રા વિન્ફ્રેને આપેલી એક મુલાકાતમાં શાહી પરિવારના વ્યવહાર વિશે ચોંકાવનારા આરોપ મૂક્યા છે અને આકરી ઝાટકણી કાઢી છે. શાહી પરિવારનાં નાના પુત્રવધુ મેઘન, જે ડચેસ ઓફ સસેક્સ કહેવાય છે, તેમણે ઈન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે પોતે 2018માં પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યાં ત્યારથી અખબારી આલમ તરફથી સતત ફેલાવાતી અફવાઓ અને જુઠાણા સામે લડવામાં પોતે એકલાં પડી ગયાં હોવાની લાગણી અનુભવતાં હતાં. મેઘને શાહી પરિવારને ‘કંપની’ તરીકે સંબોધિત કરીને કટાક્ષ કર્યો હતો અને એવો ખુલ્લો આરોપ મૂક્યો હતો કે પરિવાર રંગભેદી અને લાગણીવિહોણો છે. આ ઈન્ટરવ્યૂ ગઈ કાલે રાતે 8 વાગ્યે સીબીએસ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. બે કલાક સુધી ચાલેલા ઈન્ટરવ્યૂમાં મેઘને આંખમાં આંસુ સાથે કહ્યું કે હું જ્યારે ગર્ભવતી હતી ત્યારે મને અને મારાં બાળક માટે શાહી પરિવાર તરફથી કોઈ સલામતી પૂરી પાડવામાં આવી નહોતી. એને કારણે મારાં માનસિક આરોગ્ય પર માઠી અસર પડી હતી. મને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો.

પ્રિન્સ હેરીએ પણ ઈન્ટરવ્યૂમાં શાહી પરિવારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે એ સમયમાં હું તદ્દન નિઃસહાય બની ગયો હતો અને મને મારી જાત પર શરમ પણ આવતી હતી. મને પાછળથી ખબર પડી હતી કે મને કેવો ફસાવી દેવામાં આવ્યો હતો. મને મારા દાદી (રાણી એલિઝાબેથ-2) અને મોટા ભાઈ (પ્રિન્સ વિલિયમ) પ્રત્યે લાગણી છે. ભલે અત્યારે અમારી વચ્ચે અંતર પડી ગયું છે, પણ મને આશા છે કે સમય એ જખમ રુઝ લાવી દેશે. પિતા પ્રિન્સ ચાર્લ્સ સાથેના પોતાના સંબંધ વિશે હેરીએ કહ્યું કે એમણે તો મને સાવ નીચાજોણું કરાવ્યું છે. એમની સાથે મારા સંબંધ સુધરશે કે નહીં એની મને કોઈ ખાતરી નથી. શાહી પરિવારે અમને નાણાકીય રીતે વિખૂટા પાડી દીધા હતા અને અમારી સુરક્ષા વ્યવસ્થા પણ પાછી ખેંચી લીધી હતી. હું અને મારી પત્ની મારા સદ્દગત માતા પ્રિન્સેસ ડાયના મારા માટે જે પૈસા મૂકી ગયાં હતાં એના બળે જીવતાં રહી શક્યાં.