ન્યૂયોર્ક સિટીની શાળાઓમાં દિવાળીના દિવસે રજા રહેશેઃ મેયરની જાહેરાત

ન્યૂયોર્ક સિટીઃ ભારતભરમાં અને વિદેશમાં વસતાં ભારતીયો દ્વારા ઉજવવામાં આવતા રોશનીનાં તહેવાર દિવાળીની હવેથી ન્યૂયોર્ક સિટીની શાળાઓમાં પણ રજા રહેશે. આ જાહેરાત શહેરના મેયર એરિક એડમ્સે કરી છે. અંધકાર પર પ્રકાશની જીત સ્વરૂપ દીપ ઉત્સવ દિવાળી પર્વની દર વર્ષે ઉજવણી હજારોની સંખ્યામાં ન્યૂયોર્કવાસીઓ પણ કરે છે, પણ હવેથી દર વર્ષે દિવાળીના દિવસે શહેરની તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે. દિવાળીને અમેરિકાની શિક્ષણ પદ્ધતિમાં રજા તરીકે ઘોષિત કરતા એક કાયદાને ન્યૂયોર્ક રાજ્યની ધારાસભાએ તાજેતરમાં મંજૂરી આપી હતી.

મેયર એડમ્સે ટ્વિટર પર એક સંદેશ પોસ્ટ કર્યો છે જેમાં આ ખુશખબર આપ્યા છે. એમણે કહ્યું કે, ‘અમે હવે એમ કહી શકીએ છીએ કે ન્યૂયોર્ક શહેર દરેકનું છે, પછી ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી આવ્યા હો.’ આ સંદેશને અંતે મેયર એડમ્સે ‘શુભ દિવાળી’ લખ્યું છે.

આ વર્ષે દિવાળી તહેવાર 12 નવેમ્બરે છે અને તે દિવસે રવિવાર આવે છે, એટલે શાળાઓમાં બાળકોને દિવાળીની પહેલી રજા તો 2024માં મળશે. 2015માં, ન્યૂયોર્ક શહેરે જાહેરાત કરી હતી કે બે મુસ્લિમ તહેવારો – ઈદ અલ ફિત્ર અને ઈદ અલ-અધાના દિવસે શાળાઓમાં રજા રહેશે.