ઓટ્ટાવાઃ કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ પરના ચેકનાકાઓ પર ટ્રકમાલિકોના આંદોલનનો શાંતિપૂર્વક નિવેડો આવી રહ્યો છે. કેનેડાની પોલીસે શનિવારે ટ્રકચાલકોને હટાવવાનું શરૂ કર્યું છે. કેનેડામાં પ્રવેશવા માટે કોરોના-વિરોધી રસી લીધાનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત બનાવાતાં ટ્રકડ્રાઈવરો છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન પર ઉતર્યા છે.
ગઈ કાલે પોલીસોએ કામગીરી શરૂ કરતાં દેખાવકાર ડ્રાઈવરો કોઈ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર રવાના થવા માંડ્યા હતા. કેનેડાના ઓન્ટેરિઓના વિન્ડસર અને અમેરિકાના ડેટ્રોઈટ વચ્ચેની નદી પરના એમ્બેસેડર બ્રિજ પરથી રવાના થવા માંડ્યા હતા. સેંકડો પોલીસો શુક્રવારે વહેલી સવારથી ચેકનાકા પર ગોઠવાઈ ગયા હતા અને શનિવારની રાત સુધી ત્યાં રહ્યા હતા. આંદોલનને કારણે બંને દેશના અર્થતંત્રને માઠી અસર પડી રહી છે.
