પાકિસ્તાનમાં ‘વેલેન્ટાઈન્સ ડે’ની મોજમજા-માર્કેટિંગ પર પ્રતિબંધ

ઈસ્લામાબાદઃ દર વર્ષની જેમ આ વખતે પણ આજે 14 ફેબ્રુઆરીએ ભારત સહિત દુનિયાભરમાં બિનસત્તાવાર તહેવાર વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પણ પડોશી દેશ પાકિસ્તાનમાં ઈસ્યૂ કરાયેલો વેલેન્ટાઈન્સ ડે-વિરોધી એક સર્ક્યૂલર ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે જેને ઈસ્લામાબાદની ઈસ્લામિક ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજ દ્વારા ઈસ્યૂ કરાયો હોવાનું મનાય છે.

આ સર્ક્યૂલરમાં જણાવાયું છે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે કોલેજોમાં વિદ્યાર્થીઓએ માથા પર નમાઝની સફેદ ટોપી પહેરવી અને વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવો. તે ઉપરાંત વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ એકબીજાથી બે-મીટરનું અંતર રાખવાનું પણ ગાઈડલાઈન્સમાં ફરજિયાત કરવામાં આવ્યું છે. યૂનિવર્સિટી ડ્રેસ આચારસંહિતા અનુસાર, તમામ વિદ્યાર્થિનીઓએ હિજાબ વડે એમનાં માથા, ગરદન અને છાતીનાં ભાગોને ઉચિત રીતે ઢાંકેલા રાખવાનાં રહેશે. જ્યારે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત રીતે માથા પર સફેદ નમાઝી ટોપી પહેરવાની રહેશે.

પાકિસ્તાનની સત્તાવાર સંસ્થા ઈલેક્ટ્રોનિક મિડિયા રેગ્યૂલેટરી ઓથોરિટીએ દેશમાં વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીઓ પર અને ટેલિવિઝન અને રેડિયો સહિતના જાહેર પ્રચારમાધ્યમો પર માર્કેટિંગ કરવા પર 2017ની સાલથી પ્રતિબંધ મૂક્યો છે.