તાઇવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપઃ ચારનાં મોત, 50 ઘાયલ

નવી દિલ્હીઃ તાઇવાનના તટીય વિસ્તારોમાં બુધવારે સવારે 7.7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેનાથી રાજધાની તાઇપેયી ધ્રૂજી ગઈ છે. તાઇવાનમાં 25 વર્ષોનો આ સૌથી ભયાનક ભૂકંપ છે. આ ભૂકંપથી અત્યાર સુધી ચાર લોકોનાં મોત થયાં છે અને 50થી વધુ ઘાયલ થયા છે. ભૂકંપના આંચકાથી શહેરના કેટલાય વિસ્તારોમાં વીજ ગૂલ થઈ ગઈ છે અને દક્ષિણી જાપાન અને ફિલિપિન્સના દ્વીપો માટે સુનામીનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. પૂર્વ તાઇવાનમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ છે. ભૂકંપના પ્રભાવિત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. લોકોને બહાર કાઢવાના પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

હુલિયાન (Hualien)માં 26 બિલ્ડિંગ્સ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયાં હતાં. હજી પણ 20 લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. તેમને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન જારી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું એપિસેન્ટર તાઇવાનના દક્ષિણ હુલિયાન સિટીમાં હતું.

આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 34.8 કિમી ઊંડું હતું.તાઇપેયી સિસ્મોલોજી સેન્ટરના ડિરેક્ટરના જણાવ્યા મુજબ તાઇવાનનો 25 વર્ષોનો આ સૌથી ભયાનક ભૂકંપ હતો. 1999 સપ્ટેમ્બરમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 2000થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

તાઇવાનમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે, કેમ કે એ દ્વીપ બે ટેક્ટોનિક પ્લેટોની પાસે છે. સપ્ટેમ્બર 1999માં તાઇવાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં આશરે 2400 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ જાપાનમાં પ્રતિ વર્ષ આશરે 1500 ભૂકંપના આંચકા અનુભવાય છે. ઇન્ડિયા તાઇપે એસોસિયેશને ભૂકંપની ભયાનકતાને જોતાં બધા ભારતીય નાગરિકોની મદદ માટે એક હેલ્પલાઇન સ્થાપિત કરી છે.