સરકારના નિર્ણયનો ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ એરલાઇન કંપનીઓ ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા બેઠકો પસંદ કરવા માટે કોઈ ફી ન લેવા અંગે સરકારના નિર્ણય પર આકરો વિરોધ નોંધાવ્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે આ પગલાથી તેમની આવક પર અસર પડશે અને નુકસાનની ભરપાઈ કરવા માટે તેમને હવાઈ ભાડું વધારવું પડી શકે છે. આ ત્રણેય એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે (FIAએ) નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ નિર્ણય પાછો ખેંચવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે DGCAને સૂચના આપવામાં આવી છે કે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા બેઠકો મુસાફરોને મફતમાં પસંદ કરવાની સુવિધા આપવામાં આવે, કારણ કે છેલ્લા સમયમાં એરલાઇન્સ સીટ પસંદગી સહિત વિવિધ સેવાઓ માટે વધારે ચાર્જ વસૂલતી હોવાથી ચિંતા વધી રહી હતી. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિન્હાને લખેલા પત્રમાં FIAએ જણાવ્યું કે સરકારના આ નિર્દેશથી વિમાનન ક્ષેત્ર પર અનિચ્છનીય અને નકારાત્મક અસર પડશે.FIAએ કહ્યું હતું કે આ નિર્ણયથી એરલાઇન્સને મોટું આર્થિક નુકસાન થશે, જેને કારણે આવકમાં થયેલા ઘટાડાની ભરપાઈ માટે હવાઈ ભાડું વધારવું પડશે. પરિણામે, સીટ પસંદ કરનારા મુસાફરો જ નહીં, પરંતુ સીટ પસંદગી ન કરનારા મુસાફરોને પણ વધુ ભાડું ચૂકવવું પડશે.

 સીટ પસંદગી ફી એરલાઇન્સની આવકનો મહત્વનો ભાગ

FIAના જણાવ્યા મુજબ સીટ પસંદગી માટે લેવામાં આવતી ફી એરલાઇન્સની યોગ્ય આવકનો મહત્વનો હિસ્સો છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. AERAના નિયમો મુજબ એરપોર્ટોને પોતાની સંપૂર્ણ કિંમત વસૂલવાની સાથે નક્કી નફો કમાવવાની મંજૂરી છે.

ગ્રુપે જણાવ્યું કે એરલાઇન્સ બહુ ઓછા નફા પર કામ કરે છે અને ઈંધણ, જાળવણી, એરપોર્ટ ચાર્જ જેવા વધતા ઓપરેશનલ ખર્ચ પૂરા કરવા માટે વધારાની આવકના સ્ત્રોત પર નિર્ભર રહે છે. આવી આવક પર પ્રતિબંધ મૂકવાથી તેમની વેપારી સ્વતંત્રતા ઘટે છે અને બજાર આધારિત ભાવ વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે.

 હાલમાં સીટ પસંદગી માટે કેટલો ચાર્જ લેવાય છે

સામાન્ય રીતે એરલાઇન્સ સીટ પસંદ કરવા માટે મુસાફરો પાસેથી રૂ. 200થી રૂ. 2100 સુધી ચાર્જ વસૂલે છે. આ ચાર્જ સીટની સ્થિતિ પર આધારિત હોય છે — જેમ કે આગળની સીટ કે વધારે પગ જગ્યા (એક્સ્ટ્રા લેગરૂમ) ધરાવતી સીટ. FIAએ વધુમાં જણાવ્યું કે પ્રથમ નજરે મુસાફરોને મફત સીટ પસંદગી લાભદાયક લાગશે, પરંતુ અંતે તેનું પરિણામ વિપરીત નીવડી શકે છે. હવાઈ ભાડું વધવાથી મુસાફરોના વિકલ્પો ઘટશે અને હવાઈ મુસાફરી સામાન્ય લોકોની પહોંચથી બહાર થઈ શકે છે.