અમેરિકી ટેરિફ આગળ ભારત ઝૂકશે નહીં: પુતિન

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફ અંગે આકરું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ ટેરિફની ભારત પર કોઈ અસર નહીં થાય. પુતિને જણાવ્યું હતું કે ભારત અને ચીન આત્મસન્માનથી ભરેલાં રાષ્ટ્રો છે અને તેમની પ્રજા ક્યારેય કોઈ પણ અપમાન સ્વીકારશે નહીં. પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ મોદીને સારી રીતે ઓળખે છે અને મોદી એવું કોઈ પગલું નહીં ભરે કે જેથી ભારતના ગૌરવને ઠેસ નહીં પહોંચે.

સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે

રશિયન રાષ્ટ્રપતિએ આ દરમિયાન વોશિંગ્ટનની એ પ્રયાસોની પણ ટીકા કરી, જેમાં ભારત અને ચીન પર મોસ્કો સાથે ઊર્જા વેપાર ખતમ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો અમેરિકા આવી નીતિઓ અપનાવતું રહેશે તો તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. તેમણે કહ્યું હતું કે રશિયા સાથે વેપાર કરનાર દેશો પર વધારાના ટેરિફ લગાવવાથી વિશ્વ સ્તરે કિંમતો વધુ વધશે. તેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વને વ્યાજદર ઊંચા રાખવા માટે મજબૂર થવું પડશે અને પરિણામે અમેરિકાની આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી થઈ જશે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત પર લગાવેલા અમેરિકન શૂલ્ક નિષ્ફળ સાબિત થશે. યુરોપની ભારત અને ચીન સાથે સરખામણી થઈ શકતી નથી. ભારત અને ચીન એવાં રાષ્ટ્રો છે જે આત્મસન્માન સાથે ઊભાં રહે છે અને ક્યારેય પણ ન ઝૂકનારાં છે. પુતિને એ પણ સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ દેશોના પ્રતિબંધો છતાં રશિયા આર્થિક વિકાસ જાળવી રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે ફરી કહ્યું હતું કે મોસ્કો પોતાના સહયોગી દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો આગળ વધારતું રહેશે.