નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ અન્ય વિરોધ પક્ષો સાથે મળીને લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમારને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ પ્રસ્તાવ પર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કોઈ નેતાના હસ્તાક્ષર નથી. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષ વિરુદ્ધનો આ નોટિસ નિયમ 94(c) હેઠળ દાખલ કર્યો છે. લોકસભા સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા અધ્યક્ષે સચિવ જનરલને નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 94(c) હેઠળ ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષપદ પરથી દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે, કારણ કે તેઓ લોકસભાની કાર્યવાહી એકતરફી રીતે ચલાવી રહ્યા છે. અનેક પ્રસંગોએ વિરોધ પક્ષના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવી નથી, જે તેમનો લોકશાહી હક છે, એમ સૂત્રોએ જણાવ્યા હતું.કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવને 118 સાંસદોએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે આજે બપોરે 1:14 વાગ્યે નિયમ 94(c) હેઠળ અધ્યક્ષ વિરુદ્ધ નોટિસ રજૂ કરવામાં આવી. તે પહેલાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યે ફરી શરૂ થઈ હતી. મંગળવારે વિરોધ પક્ષોએ લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો, જેને કારણે સંસદીય કાર્યવાહી ચલાવવાને મુદ્દે સરકાર સાથેનો તણાવ વધુ વધી ગયો છે. સંસદનાં બંને ગૃહોમાં કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચા થવાની છે.
ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોએ કેટલીક મુખ્ય માગ મૂકી — જેમ કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી આપવી, સસ્પેન્ડ કરાયેલા સાંસદોને પુનઃસ્થાપિત કરવું અને મહિલા સાંસદો વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ પાછી ખેંચવી. 4 ફેબ્રુઆરી 2026એ લોકસભામાં થયેલા હંગામા બાદ ભાજપની મહિલા સાંસદોએ અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિરોધ પક્ષના સાંસદો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિરોધ પક્ષના સભ્યો વેલમાં ઘૂસી ગયા, અધ્યક્ષની મેજ પર ચડી ગયા અને સંસદીય કાર્યવાહી ખોરવી હતી.




