નવી દિલ્હીઃ સંયુક્ત કિસાન મોર્ચા (SKM) અને દેશનાં 10 મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ભારત–અમેરિકા વચગાળા વેપાર કરાર, કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને નવા મજૂર કાયદાઓના વિરોધમાં આજે ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આંદોલનને INTUC, AITUC, CITU, HMS સહિત અનેક રાષ્ટ્રીય યુનિયનોએ ટેકો આપ્યો છે. સંગઠનોનો દાવો છે કે અંદાજે 30 કરોડ મજૂરો હડતાળમાં ભાગ લે એવી શક્યતા છે.
આ બંધને સમર્થન આપતાં અનેક બેંક યુનિયનો જોડાતા દેશભરમાં બેંકિંગ સેવાઓ પર અસર થવાની શક્યતા છે. AIBEA, AIBOA અને BEFI જેવી યુનિયનો હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજ ધીમું રહી શકે છે.
બંધનાં કારણો: કયા મુદ્દાઓ પર આંદોલન?
ઘણા ખેડૂત, મજૂર અને કર્મચારી સંગઠનોએ ભારત બંધને સમર્થન આપતા કેન્દ્ર સરકારની નીતિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મુખ્ય માગ આ મુજબ છે:
- ભારત–અમેરિકા વચગાળા વેપાર કરારનો વિરોધ
- ચાર નવા લેબર કોડ પાછા ખેંચવાની માગ
- સરકારી ઉપક્રમોના ખાનગીકરણનો વિરોધ
- જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવાની માગ
- ન્યૂનતમ વેતનમાં વધારો
- બાંધકામ અને વીજ ક્ષેત્રના મજૂરોના હકોની સુરક્ષા
- કૃષિ સંબંધિત કાયદા અને નીતિઓમાં ફેરફાર કરવાની માગ

અનેક રાજ્યોમાં બસ, ઓટો-રિક્ષા અને ટ્રક યુનિયનો પણ હડતાળમાં જોડાય તેવી શક્યતા છે, જેને કારણે પરિવહન સેવાઓ પર મોટો પ્રભાવ પડી શકે છે.


