નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીની સભ્યતા રદ કરવા માટે આપી નોટિસ

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંસદની સભ્યતા રદ કરવા માટે ભાજપના નેતા નિશિકાંત દુબેએ લોકસભામાં નોટિસ આપી છે. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વારંવાર આધારહીન આરોપો લગાવી રહ્યા છે.

રાહુલ ગાંધી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ: દુબે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે આજે મેં લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એક મોશન રજૂ કર્યું છે કે તેઓ સોરોસ જેવી શક્તિઓની મદદથી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મેં જે મોશન રજૂ કર્યું છે તેમાં માગ કરવામાં આવી છે કે આ મુદ્દા પર ચર્ચા થાય અને રાહુલ ગાંધીની સભ્યતા સમાપ્ત કરવામાં આવે તેમ જ તેમને જીવનભર માટે ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે.

રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવશે ભાજપ

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે બજેટ પર ભાષણ કરતી વખતે રાહુલ ગાંધી કોઈ તર્ક, કોઈ પુરાવો અને કોઈ પૂર્વ સૂચના વગર આરોપો લગાવી રહ્યા છે. તેમના વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમના આખા ભાષણમાં જે ખોટી વાતો કહેવામાં આવી છે તે બધું રેકોર્ડમાંથી કાઢી નાખવું જોઈએ અને તેમણે જે અસંસદીય શબ્દો વાપર્યા છે, તેને પણ દૂર કરવા જોઈએ. ખાસ કરીને તેમણે જે ખોટા આરોપો લગાવ્યા છે, તે બધું દૂર થવું જોઈએ.

મેં તેમને યાદ અપાવ્યું હતું કે કોઈ પણ આ દેશને વેચી શકતું નથી અને કોઈ તેને ખરીદી શકતું નથી. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈએ ભારતને વેચ્યો છે અને કોઈએ તેને ખરીદ્યો છે. ભારતને ખરીદવા કે વેચવા વિશે કોઈ વિચાર પણ કરી શકતું નથી.

વિશેષાધિકાર હનન શું છે?

સાંસદોને તેમના કાર્ય નિર્વાહ માટે કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જો કોઈ સભ્ય, સંસ્થા અથવા વ્યક્તિ આ અધિકારોનું ઉલ્લંઘન કરે અથવા સભાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે, તો તેને વિશેષાધિકાર હનન કહેવાય છે.