ઈમરાન ખાનનું નિધન?: પાકિસ્તાની પત્રકારનો દાવો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર વજાહત એસ. ખાને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનનું નિધન થઈ ગયું છે. તેમણે પાકિસ્તાની સરકાર અને સેનામાં રહેલાં સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. તેમના અનુસાર ઈમરાન ખાનનું જેલની અંદર જ નિધન થયું છે અને આ જ કારણસર તેમને કોઈને મળવા દેવામાં આવી રહ્યા નથી.

જોકે ઈમરાન ખાનની હાલત અંગે પાકિસ્તાની સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

73 વર્ષીય ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન સામે અનેક કેસ ચાલી રહ્યા છે. તેઓ 2023થી પાકિસ્તાનની અદિયાલા જેલમાં બંધ છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (PTI) દ્વારા વારંવાર આરોપ લગાવવામાં આવ્યો છે કે અધિકારીઓ તેમને પરિવારના સભ્યો અને પાર્ટીના સાથીદારોને મળવા દેતા નથી. એ સાથે જ તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યોગ્ય સારવાર પણ આપવામાં આવતી નથી. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આંખની બીમારીનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટની બહાર પાર્ટીએ કર્યો વિરોધ

મંગળવારે જ PTIએ ઈમરાન ખાનની તબિયત અને તેમના પડતર કેસોમાં થઈ રહેલા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, કોર્ટના રજિસ્ટ્રારે પાર્ટીના નેતાઓને ખાતરી આપ્યા બાદ કે કેસોની સુનાવણી આગામી સપ્તાહે નક્કી કરવામાં આવશે, પાર્ટીએ પોતાનું પ્રદર્શન પાછું ખેંચી લીધું હતું.

પાર્ટીએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારનો સંપર્ક કરીને ઈમરાન ખાનના કેસોની વહેલી સુનાવણી કરવાની અને તેમના પરિવારના સભ્યો તથા ખાનગી ડોક્ટરોને તેમને મળવાની મંજૂરી આપવાની માગ કરી હતી. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે અમે ઈમરાન ખાનના સ્વાસ્થ્યનું રાજકીયકરણ કરતા નથી અને ઈમરાન ખાને પણ ક્યારેય કોઈ રાહત મેળવવાના હેતુથી પોતાના સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો નથી. તેથી જરૂરી છે કે તેમના સ્વાસ્થ્યને જેટલી ગંભીરતાથી લેવું જોઈએ તેટલી જ ગંભીરતાથી લેવામાં આવે અને જરૂરી નૈતિક સાહસ દર્શાવીને, તેમના પરિવારની હાજરીમાં તેમના ખાનગી ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવારની માગ સ્વીકારવામાં આવે.