અમદાવાદ: શહેર સતત વધી ગયેલી વસ્તી અને વાહન વ્યવહારના કારણે ટ્રાફિક પોલીસ વિભાગ, મહાનગર પાલિકા માટે મોટા પડકાર ઉભા કર્યા છે. શહેર ટ્રાફિક પોલીસને દરેક વિસ્તારમાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક સિગ્નલ ઉભા કરવા પડ્યા છે. આ સાથે માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થિત જળવાઇ રહે એ માટે પોલીસ, હોમગાર્ડ અને ટી.આર.બીના માણસો પણ મુકવા પડે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શહેરમાં સ્વચ્છતા જાળવવા કચરાના નિકાલ માટે મોટા આયોજનો કરવા પડે છે. સરકારી તંત્ર ટ્રાફિક અને સ્વચ્છતા માટે પ્રયાસો કરે જ છે. આ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે. અમદાવાદના સૌથી વધારે વ્યસ્ત એવા ટ્રાફિક સિગ્નલોને પસંદ કરી અત્યારે ટ્રાફિક અને સ્વચ્છતા માટેની જાગૃતિ માટેનું કામ એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા થઇ રહ્યું છે.
તુલસી પત્ર આર્ટ ફાઉન્ડેશનના ધ્રુવ પંડિત ચિત્રલેખા.કોમને કહે છે, “અમારી ટીમ શહેરના સૌથી વધારે વ્યસ્ત એવા 120 સેકન્ડથી વધારે બંધ રહેતા હોય એવા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેશ માટે નિદર્શન કરી રહી છે. ટ્રાફિકમાં ડાબી બાજુ કેવી રીતે ઉભા રહેવું, ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ માટેની લાઇન, હેલ્મેટ પહેરવાના ફાયદા, હોર્નનો ઉપયોગ ક્યારે કરવો એવી બાબતો વેશભુષા સાથે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.”
વધુમાં જણાવ્યું કે, “ભારત નાટ્યમની એક ટીમ દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે કેવી કાળજી લેવી એનું નિદર્શન કરે છે. શહેરને સ્વચ્છ રાખવા કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવું એની સમજણ આપવાનો પ્રયાસ કરીએ છીએ. ટ્રાફિક અને સ્વચ્છતાની જાગૃતિના કાર્યક્રમો જુલાઇ મહિનાથી થઇ રહ્યા છે. ઓગષ્ટમાં પણ પંચવટી સર્કલ જેવા કેટલાક મોટા જંક્શન પર ટ્રાફિક વિભાગ અને એ.એમ.સીના સહયોગથી જાગૃતિના કાર્યક્રમો કરશું. હાલ લોકોને સરળતાથી સમજાય અને ધ્યાન આકર્ષિત કરવા યુવાનો યમરાજ, હોર્ન મહારાજ, ઘાયલ યુવાન અને ટ્રાફિક સિગ્નલની વેશભુષા સાથે ટ્રાફિક નિયમનની સમજણ આપી રહ્યા છે.
ભારત નાટ્યમ દ્વારા શહેરની સ્વચ્છતાની સામાન્ય સમજણ લોકોમાં આવે એવા પ્રયાસ કલાકાર બહેનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો ભીનો કચરો અને સુકો કચરો જુદો જુદો ઠાલવે તો તંત્ર માટે સ્વચ્છતાની કામગીરી સરળ થઇ જાય.
જાગૃતિના કાર્યક્રમ તો થઇ જ રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ પોલીસ કમિશનરનો હોદ્દા પર બિરાજમાન અનુપમ ગહેલોત સાહેબે ટ્રાફિક વિભાગને સક્રિય થવા સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. આ આડેધડ ચાલતા ધસમસતા ટ્રાફિકનું નિયમન કરો લોકોમાં શિસ્ત અને જાગૃતિ લાવવા પ્રયાસ કરો.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




