નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. બંને નેતાઓએ અલગ-અલગ અરજીઓ દાખલ કરીને ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી EDની અરજીનો વિરોધ કર્યો છે.
૧૮ સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવેલા અલગ-અલગ પરંતુ મોટા ભાગે સમાન જવાબોમાં કોંગ્રેસના નેતાઓએ EDની કાર્યવાહી માટેના કાનૂની આધાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ખાનગી ફરિયાદને આધારે ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ શરૂ કરી શકે નહીં. આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં ૧૨ ઓક્ટોબરે સુનાવણી થવાની છે.
ગાંધી પરિવારે EDની કાર્યવાહી સામે શું દલીલ કરી?
ગાંધી પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલા જવાબોમાં કહેવામાં આવ્યું છે કે EDની કાર્યવાહી યોગ્ય ઠેરવી શકાય નહીં, કારણ કે આ કેસ પોલીસમાં નોંધાયેલી FIRને બદલે સુબ્રમણ્યમ સ્વામીની ૨૦૧૩ની ખાનગી ફરિયાદને આધારે શરૂ થયો હતો. તેમનો દાવો છે કે PMLAમાં EDની કાર્યવાહી શરૂ કરવા માટે ખાનગી ફરિયાદને આધાર બનાવવાની કોઈ જોગવાઈ નથી. તેમના જણાવ્યાનુસાર સ્વામીની ફરિયાદ એ કાનૂની શરતો પૂરી કરતી નથી જે મની લોન્ડરિંગની કાર્યવાહી શરૂ કરવા માટે જરૂરી છે.
ED ૨૪ કલાકમાં હાઇકોર્ટ પહોંચી
બચાવ પક્ષે ED દ્વારા હાઇકોર્ટનો સંપર્ક કરવામાં આવેલી ઝડપ પર પણ સવાલ ઉઠાવ્યા છે. જવાબો અનુસાર, ટ્રાયલ કોર્ટના આદેશના ૨૪ કલાકની અંદર EDએ પોતાની રિવિઝન અરજી દાખલ કરી હતી. ગાંધી પરિવારે આ ઝડપને ‘વીજળીની ગતિ’ ગણાવી અને દલીલ કરી કે આ પ્રક્રિયામાં એજન્સી પર સામાન્ય રીતે લાગુ પડતી આંતરિક મંજૂરીની પ્રક્રિયાઓને અવગણવામાં આવી હોય તેવું લાગે છે.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ કેસની શરૂઆત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ૨૦૧૩માં કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. ફરિયાદમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ના અધિગ્રહણને લઈને કથિત કાવતરાના આરોપો લગાવવામાં આવ્યા હતા. AJL નેશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન કરે છે. આ ફરિયાદ ‘યંગ ઇન્ડિયન’ સાથે પણ જોડાયેલી છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે સૌથી વધુ શેર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આરોપો AJLની એવી સંપત્તિઓ સાથે જોડાયેલા છે, જેની કિંમત ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘યંગ ઇન્ડિયન’ દ્વારા કરવામાં આવેલા ૫૦ લાખ રૂપિયાના વ્યવહારનો પણ ઉલ્લેખ છે.




