મને નિશાન બનાવશો તો મને વધુ શક્તિ મળશેઃ CM મમતા

કોલકાતાઃ રાજકીય સલાહકાર કંપની આઈ-પેકના કાર્યાલય અને તેના સ્થાપક પ્રતીક જૈનના નિવાસસ્થાન પર કરાયેલી દરોડાની કાર્યવાહી સામે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ શુક્રવારે કોલકાતામાં પાર્ટીપ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં માર્ચ કાઢ્યો અને ત્યાર બાદ રેલી પણ કાઢી હતી.

EDના દરોડાઓ સામે યોજાયેલી વિરોધ રેલીને સંબોધતાં CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોઈ મને રાજકીય રીતે નિશાન બનાવવાનો પ્રયાસ કરશે, તો એથી મને વધુ રાજકીય શક્તિ મળશે. મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, સાંસદો, વિધાનસભ્યો અને સમર્થકો સાથે 8B બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રેલી શરૂ કરી હતી, જે હાઝરા મોર તરફ આગળ વધી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે નારા લગાવ્યા અને 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં “રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ” કરવાનો આરોપ મૂક્યો હતો.આ વિરોધ માર્ચ રેલી ગુરુવારે પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસ પર ED દ્વારા લેવામાં આવેલી તલાશી દરમિયાન મમતા નાટકીય રીતે ત્યાં પહોંચ્યા બાદના એક દિવસ પછી કાઢવામાં આવી હતી છે.

મમતાએ આરોપ લગાવ્યો છે કે ED વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના આંતરિક દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને ગુપ્ત સંગઠનાત્મક ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેની કોઈ પણ નાણાકીય તપાસ સાથે કોઈ લેવાદેવા નથી.