I-PAC મામલોઃ જે કંપનીનું અસ્તિત્વમાં જ નથી, તેનાથી મળી લોન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં EDના દરોડા બાદ રાજકીય તાપમાન વધી ગયું છે. I-PAC કંપની પર દરોડા પડ્યા બાદ TMC અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. એ દરમિયાન તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ I-PAC કંપનીને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે 2021માં I-PACને એક કંપની પાસેથી 13.50 કરોડ રૂપિયાની લોન મળી હતી, પરંતુ તે કંપની સત્તાવાર રેકોર્ડમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતી.

ROC (રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ)ની ફાઇલિંગની સમીક્ષા કરતાં જાણવા મળ્યું હતું કે I-PACએ 17 ડિસેમ્બર 2021ના રોજ ક્રેડિટર્સની યાદી જાહેર કરી હતી. તેમાં માહિતી આપવામાં આવી હતી કે તેને રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા લિ. નામની કંપની પાસેથી 13.50 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. કંપનીનું સરનામું પણ નોંધાયું હતું — ત્રીજો માળ, અશોકા પ્લાઝા, દિલ્હી રોડ, રોહતક, હરિયાણા.

પરંતુ આ સરનામે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં આ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ નહોતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે 27 જૂન 2025S I-PACએ જણાવ્યું હતું કે તેણે 13.50 કરોડમાંથી 1 કરોડ રૂપિયા પરત ચૂકવી દીધા છે અને હજુ 12.50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ લોન અંગે I-PACના સહ-સ્થાપક અને ડિરેક્ટર પ્રતીક જૈનને સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. I-PACની ફરીદાબાદ સ્થિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પૂનમ ચૌધરીને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમણે પણ મૌન જાળવ્યું હતું.

મહત્વની વાત એ પણ છે કે ROCના રેકોર્ડમાં માત્ર ‘રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ના ઇન્કોર્પોરેશન સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ છે, જ્યારે I-PAC દ્વારા જાહેર કરાયેલી ‘રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા લિમિટેડ’ના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી.