સુરત: ડાયરેકટર અનીસ બઝમીની ‘ભૂલભૂલૈયા 3’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેન’ વચ્ચેની ટક્કરમાં હવે અજય અને અનીસ બંનેનો સથવારો આ શુક્રવારે સિનેમામાં જોવા મળશે.
દરઅસલ આ શુક્રવારે રિલીઝ થયેલી અજય દેવગન અભિનીત ફિલ્મ નામને અનીસ બઝમીએ ડિરેકટ કરી છે. આમ તો આ ફિલ્મ 16 વર્ષ અગાઉ તૈયાર થઈ ગઈ હતી પણ રિલીઝ હમણાં થઇ રહી છે. કેમ આ ફિલ્મને રિલીઝ માટે 16 વર્ષ લાગી ગયા એની વાત ફિલ્મના પ્રોડ્યુસર પાસેથી જાણીએ.
સુરતના રૂંગટા સિનેમામાં ગત મંગળવારની રાત્રે ઝાકમઝોળ જેવો માહોલ હતો. આવી રહેલા ગેસ્ટની રેડ કાર્પેટથી એન્ટ્રી થઈ રહી હતી. ‘નામ’ ફિલ્મના અનેક પોસ્ટર અને બેનર શોભી રહ્યા હતા. બેકગ્રાઉન્ડમાં ફિલ્મનું સંગીત ગુંજી રહ્યું હતું. ખાસ સેલ્ફી ઝોનમાં દર્શકો સેલ્ફી રહ્યા હતા. આ માહોલ ‘નામ’ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનો હતો.
રૂંગટા ગ્રુપના ચેરમેન અને નામ ફિલ્મના પ્રોડ્યુસર અનિલ રૂંગટા ચિત્રલેખા.કોમ સાથે ફિલ્મી જર્ની શેર કરતા કહે છે, “ અજય દેવગનની પહેલી ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે 1991’માં તારિખ 22 નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેના પ્રોડ્યુસર હતા, દિનેશ પટેલ. 2008માં અજય દેવગન સાથે એમની નવી ફિલ્મ ‘નામ’નું શૂટિંગ પૂરું થતાં સમયે એમનુ નિધન થઇ ગયું. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન સહિતનું ઘણું કામ બાકી હતું. ફાયનાન્સ પ્રોબ્લેમને કારણે ફિલ્મ અટકી પડી હતી.
અનિલભાઈ ઉમેરે છે કે, “ દિનેશ પટેલના એક મિત્ર જયેશ શાહ મારા પણ મિત્ર. મારા ફિલ્મી શોખને કારણે એમણે 2019માં મારી સામે આ ફિલ્મ પૂરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બાદમાં ત્રણેક વાર ફિલ્મ જોઈ. ‘નામ’ની વાર્તા અને સસ્પેન્સ મને ખૂબ સ્પર્શી ગયાં. આ વાર્તા દર્શકો સુધી પહોંચવી જોઇએ એવું લાગ્યું અને આ પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્ણય કર્યો હતો.
બાદમાં દીનેશભાઇની પત્ની સાથે મુલાકાત થઈ, લીગલી તમામ પ્રોસેસર પતાવી અને અમે ફિલ્મને 2021માં રિલીઝ કરવા ઈચ્છતા હતા પણ કોરોના આવી જતા રિલીઝ ટળી. હવે આ 22 નવેમ્બરે રિલીઝ થઈ છે. આ દિવસે રિલીઝ કરવાનુ એક ખાસ કારણ એવુ પણ છે કે આજ તારીખે 1991માં દિનેશ પટેલ અને અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ રિલીઝ થઈ હતી. એ રીતે આ ફિલ્મ દ્વારા દિનેશભાઈને શ્રધ્ધાંજલી આપીશું.”
નોંધનીય છે કે અજય દેવગન, ભૂમિકા ચાવલા, સમીરા રેડ્ડી અભિનીત આ ફિલ્મ ભારત અને મુખ્ય વિદેશી બજારોમાં ૧૨૦૦ સ્ક્રીન્સમાં રિલીઝ થશે.
(અરવિંદ ગોંડલિયા, સુરત)