ગુજરાતની જનતાને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે હાલ અનેક વિસ્તારમાં પવન ફૂંકાવવા સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ તાપમાનને લઈ આગાહી વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર ચાર જિલ્લામાં વરસાદનું નહીં પણ આંધી વંટોળ ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન વધવાની કોઇ શક્યતા નથી. નોંધનીય છે કે આજથી ત્રણ દિવસ માટે ડસ્ટ સ્ટ્રોમની (આંધી વંટોળ) વોર્નિંગ આપવામાં આવી છે. આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિંડ રહેશે. ત્રણ દિવસ માટે જેની સ્પીડ 25થી 30 કિમી પ્રતિ કલાક રહેશે. આગામી ચાર દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ જઇ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં 45.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક માટે 43 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે.
