હવે નકલી ભરતી કૌભાંડ, જાણો ક્યાં-ક્યાં ખેલાયો નકલીનો ખેલ?

ગાંધીનગર: પાટનગરમાં નકલી ભરતી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સરકારી નોકરી અપાવવાના બહાને 60 લાખનું ફૂલેકું ફેરવાયું છે. IAS ઓફિસર સાથે ઓળખાણ હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે સેક્ટર 7 પોલીસે વિનોદ પટેલ અને નકલી IAS ઓફિસર વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ પેપરમાં નકલી જાહેરાત બતાવી ઉદ્યોગ નિગમ સેવા વર્ગ-3માં નોકરીની વાત કરી હતી. આટલું જ નહીં, અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યા હતા. સાથે જ નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાનો આરોપ છે. ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા. ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવાઈ હતી. ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગ સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી. જ્યારે બાલાસિનોરની સરસ્વતી હાઇસ્કૂલમાં પણ પરીક્ષા લેવાઈ હતી. અહીં પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા છે. ઉપરાંત અન્ય કેટલા લોકોએ પરીક્ષા આપી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? તેની તપાસ થઇ રહી છે.

પહેલાં ક્યાં-ક્યાં પકડાઈ નકલીના કૌભાંડો ?

ઓક્ટોબર, 2023માં છોટાઉદેપુરથી આખેઆખી નકલી કચેરી ઉભી કરવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક આરોપીએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની એક ખોટી સરકારી ઓફિસ શરૂ કરી હતી. આ નકલી કચેરીએ સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી 26 જુલાઈ 2022થી લઈ કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. દાહોદ જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમા હડકંપ મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા છે.ડિસેમ્બર 2023માં મોરબી જિલ્લાના વાંકાનેરમાં નકલી ટોલનાકું ઝડપાયું હતું. દોઢ વર્ષથી આ નકલી ટોલનાકું ચાલતું હોવાનો દાવો કરાયો હતો. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી આ ટોલનાકું ચલાવવામાં આવતું હતું. નકલી ટોલનાકું ઉભું કરી કરોડોની ઉઘરાણીનો આક્ષેપ પણ કરાયો હતો.

22 મેના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી.

આ ઉપરાંત નકલી માર્કશીટ, નકલી ડિગ્રી, નકલી દાખલાઓ, નકલી આધારકાર્ડ, નકલી લોન, નકલી દવાઓ, નકલી કુટુંબ નિયોજન ઓપરેશન, નકલી તેલ, નકલી ઘી, નકલી દૂધ જેવાં અનેક કૌભાંડો રોજબરોજ સામે આવતાં જ હોય છે.