રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસશેઃ તાપમાન ઘટશે

અમદાવાદઃ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે. વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. જેથી રાજ્યના તાપમાનમાં ઓછામાં ઓછો બે ડિગ્રી ઘટાડો થવાની ધારણા છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમ જ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ સહિત કોંકણના મોટા ભાગના વિસ્તારોમાં અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે મુંબઈમાં આજે ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના અન્ય ભાગો, સમગ્ર ગોવા, કોંકણના કેટલાક ભાગો અને કર્ણાટકના કેટલાક ભાગો સુધી વિસ્તર્યું છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર વધુ જોવા મળશે.

હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક મેઘરાજના સવારી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્ર પ્રદેશમાં આગળ વધશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]