પયગમ્બર વિવાદઃ મમતા કહે છે, હિંસા માટે ભાજપ જવાબદાર

નવી દિલ્હીઃ દેશભરમાં નૂપુર શર્માના નિવેદનને લઈને વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રયાગરાજથી હાવડા અને રાંચી સુધી હિંસક ઘટનાઓ પણ થઈ હતી. UP પોલીસ આ ઘટનાઓને લઈને આરોપીઓની ઓળખ અને ધરપકડની કાર્યવાહી કરી રહે છે. જેમાં સહારનપુરમાં ભડકેલી હિંસામાં પોલીસે અત્યાર સુધી 54 દેખાવકારોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેઓ વગર મંજૂરીએ દેખાવો કરી રહ્યા હતા, જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

બીજી બાજુ દિલ્હી પોલીસે સોશિયલ મિડિયા પર ભડકાઉ પોસ્ટ કરીને માહોલ ખરાબ કરવાના આરોપમાં 32 લોકોની સામે FIR નોંધ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે ટ્વિટર અને ફેસબુકને પત્ર લખીને આરોપીઓ સંબંધી વિગતવાર માહિતી માગી છે.

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં પોલીસ અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. જેથી હાવડાના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હાવડામાં હિંસક ઘટનાઓ થઈ રહી છે, જેની પાછળ રાજકીય પક્ષ છે અને તેઓ તોફાનો કરાવવા ઇચ્છે છે. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે લોકો ક્યાં સુધી ભાજપના ગુના સહન કરશે?  

વહીવટી તંત્રએ 15 જૂન સુધી ત્રણ કે એનાથી વધુ લોકોને એકસાથે એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહીં 15 જૂન સુધી 144 લાગુ કરવામાં આવી છે.