રાજ્યસભા ચૂંટણીઃ ભાજપનો દબદબો, છતાં 100ના આંકડાથી દૂર

નવી દિલ્હીઃ ચાર રાજ્યોની 16 રાજ્યસભાની બેઠકો પર શુક્રવારે ચૂંટણી થઈ હતી. જેમાં રાજસ્થાનમાં ચારમાંથી ત્રણમાં કોંગ્રેસ અને એક ભાજપે જીતી હતી. કર્ણાટકમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક સીટ હાંસલ કરી હતી. મહારાષ્ટ્રમાં છ સીટોમાંથી મહાવિકાસ આઘાડીએ ત્રણ અને ભાજપે ત્રણ બેઠકો જીતી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ભલે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં જીત હાંસલ કરી હોય, પણ આ વર્ષે એપ્રિલમાં ઉપલા ગૃહમાં 100ના આંકડે પહોંચનારી પાર્ટીના સભ્યોની સંખ્યા 57 સીટો માટે પૂરી થયેલી દ્વિવાર્ષિક ચૂંટણી પછી 95થી ઘટીને 91એ આવી ગઈ છે.

રાજ્યસભામા હાલ ઉપલા ગૃહમાં કુલ 232 સભ્યોમાં ભાજપના 95 સભ્યો છે, કેમ કે ભાજપના 26 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે અને બે વર્ષની ચૂંટણીમાં 22 સભ્યો ચૂંટણી જીત્યા છે. આમ  ભાજપને ચાર સીટોનું નુકસાન થઈ રહ્યું છે. હાલ રાજ્યસભામાં કુલ 13 બેઠકો ખાલી છે. આવામાં ખાલી સીટો પરની નિયુક્તિ પછી પક્ષ 100નો આંકડો પાર કરી શકશે.

રાજ્યસભાની ચૂંટણીનાં પરિણામો કોંગ્રેસ માટે બહુ કડવી બની રહી છે. હરિયાણામાં કોંગ્રેસી ઉમેદવાર અજય માકન ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસ રાજસ્થાનમાં ભાજપને હરાવવામાં સફળ રહી હતી, પરંતુ હરિયાણામાં એને હારનો સામનો કરવો પડ્યો હતો. ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસ વિધાનસભ્ય કુલદીપ બિશ્નોઇની સામે શિસ્ત ભંગનાં પગલાં લેવાય એવી શક્યતા છે. આમ રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસ માટે કડવી બની રહી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]